ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલ સંઘપ્રદેશનું જાણીતું સ્થળ પ્રવાસીઓ માટે બન્યું હોટ ડેસ્ટિનેશન - દાદરા નગર હવેલી

દાદરા નગર હવેલી: ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી કુદરતી સૌંદર્ય માટે પ્રવાસીઓમાં ખૂબ જ જાણીતો પ્રદેશ છે. 130 ઇંચથી વધુ વરસતા વરસાદ બાદ અહીંનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. હાલમાં ચોમાસાની વિદાયના અંતિમ દિવસોમાં અહીં મહત્વના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું આવાગમન શરૂ થયું છે, ત્યારે દૂધની-કૌંચા ટુરિસ્ટ પોઇન્ટ પર પ્રવાસીઓ નદીના પ્રવાહમાં બોટિંગનો આનંદ માણી કાશ્મીર-કેરળની યાદ મનમાં ભરી રહ્યા છે.

Dadra nagar Haveli

By

Published : Sep 26, 2019, 11:21 PM IST

દૂધની-કૌંચા ટુરિસ્ટ પોઈન્ટનો કુદરતી નજારો માણવા દર વર્ષે ચોમાસા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સેલવાસથી ખાનવેલ તરફ આવેલ આ ટુરિસ્ટ પોઈન્ટ સુધી પહોંચવા માટે 15 કિલોમીટરના અંતરને પાર કરી ઝીગઝેગ રોડ, ઊંચા પહાડો પર શોભતા સાગના લીલાછમ ઊંચા વૃક્ષો, બેઠા ઘાટના કાચા-પાકા આદિવાસી મકાનો, ડાંગરથી લહેરાતા ખેતરો, ખળખળ વહેતા પાણીના ઝરણાંનો અદભુત નજારો માણતા પ્રવાસીઓ અહીં પહોંચે છે.

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલ સંઘપ્રદેશનું જાણીતું સ્થળ પ્રવાસીઓ માટે બન્યું હોટ ડેસ્ટિનેશન

આ સ્થળ પર અફાટ વહેતી મધુબન ડેમના કાંઠે શિકારા બોટમાં બોટિંગની મજા માણવાનો અનુભવ જ કંઈક અલગ છે. પ્રશાસન અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દુધનીમાં 164 શિકારા બોટને લાયસન્સ આપવામાં આવ્યું છે. જેથી અહીંના લોકો સીઝનમાં બોટ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં પ્રવાસીઓની સિઝન શરૂ થતાં વીકેન્ડમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રવાસીઓ અહીં આવે છે.

દૂધની-કૌંચા પ્રવાસીઓ માટે હોટ ડેસ્ટિનેશન છે, મધુબન ડેમના પ્રવાહમાં મહત્વના ટુરિસ્ટ પોઇન્ટ સિવાય અન્ય બે સ્થળો વાઘચૌડા-કોઠાર અને ઉમરવરણી ગામના કેટલાક ધનવાન લોકોએ બોટીંગની સેવા શરૂ કરી છે. જેથી આગામી દિવસોમાં પ્રવાસીઓ અહીંનો ઘાટવાળો સર્પાકાર રસ્તો ચઢીને આવવાનું પસંદ નહીં કરે જેથી સ્થાનિકોને રોજગારી છીનવાઈ જવાનો ભય છે.

દિવાળીમાં દૂધની ખાતે રોજના 2 હજારથી વધુ સહેલાણીઓ અહીંનો આહલાદક નજારો માળવા માટે આવે છે. આ પ્રવાસીઓ ખાનવેલમાં આવેલ રંગબેરંગી પતંગિયાના ઘર સમાન બટરફલાય પાર્ક, નેચરલ પાર્કની પણ મુલાકાતે લે છે. ત્યારે આ અનોખા પ્રવાસન સ્થળને બારેમાસ ધમધમતું રાખવા પ્રવાસન વિભાગ અને પ્રશાસન વિકાસના એજન્ડામાં સામેલ કરે તો જ અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળશે અને પ્રવાસીઓના કલશોરમાં આખું વર્ષ ગુંજતું રહેશે.

ABOUT THE AUTHOR

...view details