દાદરા નગર હવેલીના પીઢ કોંગ્રેસી નેતા કેશુભાઈ પટેલના નિવાસ્થાને દાદરા નગર હવેલી પ્રાદેશિક કોંગ્રેસ કમિટીએ સોમવારે સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આ અગત્યની મિટિંગનું આયોજન કર્યું હતું,પરંતુ આ મિટિંગમાં કોંગ્રેસ કમિટીના 3 સભ્યો વિક્રમ પરમાર, કેશુભાઈ પટેલ, મહેશ શર્મા અને કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ ટોક્યા સિવાય એક પણ સભ્ય કે કાર્યકર ઉપસ્થિત ન રહેતા આ મિટિંગનો ફિયાસ્કો થયો હતો.
આ મિટિંગમાં એકપણ પંચાયતના સભ્ય કે પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સરપંચ, ઉપસરપંચ ઉપસ્થિત ન રહેતા તમામની વિરુદ્ધ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ પાઠવી કડક પગલાં લેવામાં આવશે. તેવું કોંગ્રેસ કમિટીના સભ્ય વિક્રમ પરમાર અને કેશુભાઈ પટેલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહેલા મોહન ડેલકરે હાલમાં જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો સહિત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધીઓ નગરપાલિકાના નગરસેવકોએ મોહન ડેલકરને પોતાનું સમર્થન આપ્યું છે. આ અંગે મોહન ડેલકરે યોજેલા કાર્યકર્તા સંમેલનમાં જ જ્યારે તેમણે અપક્ષ ઉમેદવારી કરવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી હતીત્યારે તેમની સાથે જાહેર મંચ પર જ તમામ ચૂંટાયેલા કોંગ્રેસના હોદ્દેદારોએ તેમને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
મોહન ડેલકરે પણ પોતાની અપક્ષ ચૂંટણી લડવાની વિધિવત જાહેરાત કરી ત્યારે પણ તેમણે આ મુદ્દે ખુલાસો કર્યો હતો. કોંગ્રેસમાં તેમની સાથે રહેલા અને હોદ્દા પર ચૂંટાયેલા હોદ્દેદારોને તેમની સાથે રહેવું કે કોંગ્રેસ સાથે રહેવું તે નિર્ણય તે તેમના પર છોડે છે,પરંતુ પોતે ઈચ્છે છે કે, એ તમામ હોદ્દેદારો તેમને સમર્થન આપે.
મોહન ડેલકરની આ વાતને સોમવારની મિટિંગમાં કોંગ્રેસના ચૂંટાયેલા હોદ્દેદારોએ હાજર ન રહીને પોતાનું સમર્થન આપી દીધું છે. જે બાદ કોંગ્રેસે કમિટી મિટિંગમાં હાજર ન રહેલા તમામ હોદ્દેદારો વિરુદ્ધ લેખીત નોટિસ પાઠવી પાર્ટી ઉલ્લંઘન મુજબ તેમની સામે કડક પગલાં ભરશે તેવું આ મિટિંગ બાદ ઉપસ્થિત કોંગ્રેસ કમિટી મેમ્બરોએ જણાવ્યું છે. હવે, જોવું રહ્યું કે કોંગ્રેસ આ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ કેવા કડક પગલાં ભરે છે.