જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કર્યા બાદ અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 1લી સપ્ટેમ્બરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવશે. અમિત શાહના પ્રવાસના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઉત્સાહનો માહોલ છે. અમિત શાહ દાદરા નગર હવેલીમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આકાર પામનાર અક્ષયપાત્ર યોજનાના આધુનિક રસોડ નું લોકાર્પણ કરશે. આ ઉપરાંત 150 બેઠકોની ક્ષમતા વાળી નમો મેડિકલ કોલેજમાં મેડીકલના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેનું લોકાર્પણ કરશે. આ સાથે માધ્યમિક શાળાનું ભૂમિપૂજન, પ્રાણી સંગ્રહાલયની જાહેરાત સહિતના મહત્વના કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરશે.
ગૃહપ્રધાન અમિત શાહ 1લી સપ્ટેમ્બરે સેલવાસની મુલાકાતે આવશે - ભાજપ
સેલવાલઃ 1લી સપ્ટેમ્બરે ગૃહપ્રધાન અમિત શાહ દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ અને અક્ષયપાત્ર યોજનાનું લોકાર્પણ કરશે. ગૃહપ્રધાનના સ્વાગત માટે હાલ સેલવાસમાં SSR કોલેજ ખાતે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાજપ પક્ષના મોવડીઓ પણ જનમેદની એકઠી કરવા સભાઓ યોજી રહ્યા છે. તો, ઉદ્યોગપતિઓ અને પ્રશાસન દ્વારા સેલવાસના મુખ્ય માર્ગ પર ઠેરઠેર સ્વાગતના બેનર લગાવાયા છે.
ગૃહપ્રધાન બન્યા પછી અમિત શાહ પ્રથમ વખત સંઘપ્રદેશની મુલાકાતે આવશે. તેમના કાર્યક્રમ સ્થળ SSR કોલેજ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે દાદરા નગર હવેલીના માજી સાંસદ નટુ પટેલે જણાવ્યું હતું કે, આ અવસર અમારા માટે આનંદનો અવસર છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના વિદ્યાર્થીઓને મેડિકલ માટે ગણતરીની જ સીટ મળતી હતી. દમણના સાંસદ લાલુ પટેલ સાથે આ પ્રદેશમાં મેડિકલ કોલેજ આપવાની રજુઆત કરી હતી. જે બાદ મેડિકલ કોલેજને મંજૂરી મળી હતી. અને હવે તે કોલેજની પ્રથમ બેચનો ગૃહપ્રધાનના હસ્તે પ્રારંભ થઇ રહ્યો છે.
દાદરા નગર હવેલીના ભાજપના અગ્રણી નેતા ફતેહસિંહે ચૌહાણે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને મેડીકલક્ષેત્રે ઘર આંગણે લાભ મળશે. એ જ રીતે અક્ષયપાત્ર નામની મધ્યાહન ભોજન યોજના અને તેના આધુનિક રસોડામાં બનેલ વાનગીઓ 65 હજાર વિદ્યાર્થીઓનો જઠરાગ્નિ ઠારશે. બાળકોને પૌષ્ટિક આહાર મળશે જેનાથી કુપોષણને દેશવટો આપી શકાશે.