સેલવાસ:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસના બાવીસા ફળિયાની એક ચાલમાં 9 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી છે. જો કે 9 વર્ષની બાળકીના પિતાએ આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, સેલવાસના બાવીસા ફળિયામાં ગાયકવાડની ચાલીમાં પાયલ નામની 9 વર્ષની બાળકીએ પોતાના જ ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હોવાની જાણ સેલવાસ પોલીસને કરાઈ હતી. બાળકીએ જ્યારે ફાંસી લગાવી તે સમય દરમિયાન તેમના પિતા હિંમતભાઈ શાકભાજી લેવા ગયા હતાં અને માતા અલોક ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરવા ગઈ હતી.
સેલવાસમાં 9 વર્ષની બાળકીની આત્મહત્યા! પિતાએ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી - girl commits suicide
સેલવાસના બાવીસા ફળિયામાં રહેતા પરિવારની 9 વર્ષની બાળકીએ આત્મહત્યા કરતા પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે, ત્યારે મૃતકનો પિતા દીકરીએ આપઘાત નહીં પણ તેની હત્યા કરી હોવાનું જણાવી રહ્યાં છે. તેમજ આરોપીની ધરપકડ કરવાની માગ કરી રહ્યાં છે.
પિતા ઘરે આવ્યા ત્યારે બાળકીનો મૃતદેહ દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં લટકી રહ્યો હતો. જે જોઈને પિતાએ તાત્કાલિક તેને નીચે ઉતારી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જયાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
મૃતક બાળકીના પિતાએ શંકા વ્યક્ત કરી હતી કે, આ ઘટના આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે અને તેના હત્યારાની વહેલી તકે ધરપકડ કરવા માટેની ફરિયાદ સેલવાસ પોલીસ મથકમાં નોંધાવી છે. સેલવાસ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.