સંઘપ્રદેશ સેલવાસ, વલસાડ અને દમણ માટે મહત્વના મનાતા મધુબન ડેમના ઉપરવાસમાં શનિવારે ભારે વરસાદ કાર મધુબન ડેમના 10 દરવાજા પૈકી 6 દરવાજાને 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ 6 દરવાજા દ્વારા કુલ 36250 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતા દમણગંગા નદી ગાંડીતુર બની છે. મધુબન ડેમમાં 23204 ક્યુસેક પાણીની નવી આવક થતા સપાટી 72.10 મીટરે સ્થિર કરી વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે.
મધુબન ડેમના 6 દરવાજા ખોલાયા 36250 ક્યુસેક પાણી છોડ્યું
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ઉપરવાસમાં ભારે વરસાદવરસતા મધુબનના 6 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. હાલ મધુબન ડેમમાં 23204 ક્યુસેક પાણીની આવક આવતા 6 દરવાજા દ્વારા 36250 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
શનિવારે સેલવાસમાં સવારે વરસાદી માહોલ વચ્ચે 20હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ સાંજ સુધી સતત વરસાદ વરસતો હોતો ઉપરવાસમાંથી પાણીની આવક પણ સતત આવતી હોવાથી સાંજે 6 દરવાજા ખોલી 36250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ . સેલવાસમાં સવારે 9 થી સાંજના પાંચ વાગ્યા સુધીમાં ઝાપટા રૂપે 55.6 mm વરસાદ વરસ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં વરસેલા સીઝનના વરસાદની વાત કરીએ તો સેલવાસમાં કુલ 35 ઇંચ જેટલો અને ખાનવેલમાં 28 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ તરફ વલસાડ જિલ્લાના વાપી સહીત તમામ તાલુકામાં પણ શનિવારે અવિરત વરસાદી ઝાપટા વરસતા રહ્યા હતા. શનિવારે સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં ધરમપુર માં 115 mm સાથે કુલ 651mm વરસાદ નોંધાયો છે. કપરડામાં 62mm સાથે કુલ 720mm, ઉમરગામમાં 10mm સાથે કુલ 680mm, પારડીમાં 79mm સાથે કુલ 662mm, વલસાડમાં 69mm સાથે કુલ 675mm અને વાપીમાં 57mm સાથે સૌથી વધુ 899mm વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, મધુબન ડેમમાં સતત વધી રહેલા પાણીના કારણે 6 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠે પાણીના વહેણમાં નહીં જવા તંત્રએ લોકોને અપીલ કરી છે. એ સાથે જ નદી કાંઠાથી દૂર રહેવા, પાણીમાં ન્હાવા, માછલી પકડવા નદીમાં નહીં જવા સૂચના આપી છે. તેમ છતાં કેટલાક લોકો તંત્રની આ સુચનાને અવગણી રહ્યા છે. લોકો નદીના ધસમસતા પ્રવાહમાં માછલી પકડવાની પ્રવૃત્તિમાં મશગુલ જોવા મળ્યાં હતાં.