ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં 2 પરિવારે ભેગા મળીને પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને માર્યા, વીડિયો વાઇરલ થતા 9ની ધરપકડ - Tribal couple tied to tree

છેલ્લા ઘણા દિવસોથી આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચાર અને નિર્દયી સજા અપાતી હોવાના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ચિલિયાવાંટ ગામમાં એક પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ ગામમાં જ રહેતા એક યુવક યુવતી વચ્ચે પાંગરેલો પ્રેમ તેમના પરિવારને માન્ય ન હોવાથી બન્નેને સરગવાના ઝાડ સાથે બાંધીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો.

છોટાઉદેપુરમાં 2 પરિવારે ભેગા મળીને પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને માર્યા
છોટાઉદેપુરમાં 2 પરિવારે ભેગા મળીને પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને માર્યા

By

Published : Jul 21, 2021, 8:23 PM IST

  • અંતરિયાળ વિસ્તારોમાં નિર્દયી સજાનો વધુ એક વીડિયો વાઇરલ
  • પ્રેમી પંખીડાઓને સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મરાયો
  • વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ દ્વારા 9 લોકોની ધરપકડ કરાઈ

ન્યૂઝ ડેસ્ક : રાજ્યના અંતરિયાળ ગામોમાં પરિવારની મરજીથી વિરુદ્ધ પ્રેમમાં પડનારા યુવક યુવતીઓને તાલિબાની સજા અપાતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. એવો જ વધુ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના ચિલિયાવાંટ ગામમાંથી સામે આવ્યો છે. એક યુવક-યુવતી વચ્ચે પાંગરેલો પ્રેમ બન્નેના પરિવારને નામંજૂર હોવાથી બન્નેને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ વીડિયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

છોટાઉદેપુરમાં 2 પરિવારે ભેગા મળીને પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને માર્યા

શું છે વાઇરલ થયેલા વીડિયોમાં…

વાઇરલ થયેલા વીડિયોમાં એક યુવક અને યુવતીને સરગવાના ઝાડ સાથે દોરડા વડે બાંધવામાં આવેલા નજરે પડે છે. કેટલાક લોકો બન્નેને લાકડીઓ તેમજ દંડા વડે મારતા જોવા મળે છે. માર પડતા જ સંભળાતી યુવક યુવતીની ચીસો હચમચાવી મૂકે તેમ છે. જ્યારે પ્રેમી પંખીડાઓ સમગ્ર વીડિયો દરમિયાન માર ન મારવા માટે આજીજી કરતા જોવા મળી રહ્યા છે. એક સમયે હદ વટાવી દે તેટલો માર ખાધા બાદ યુવતી ઢળીને પડી જતી પણ જોવા મળે છે. તેમ છતા નરાધમો તેને મારવાનું ચાલુ રાખે છે. આસપાસમાં ઉભેલા લોકો પણ તેમને રોકવાની જગ્યાએ માત્ર મારવા પર જ ધ્યાન આપી રહ્યા હોવાનું જોવા મળે છે.

પોલીસે 9 લોકોની ધરપકડ કરી

દર વખતની જેમ આ વખતે પણ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ એ. વી. કાટકડે જણાવ્યું હતું કે, આ પ્રેમીપંખીડાઓ 18 જુલાઈના રોજ લગ્ન કરવાના ઈરાદે નાસી છૂટ્યા હતા. જેના કારણે ગુસ્સે ભરાયેલા તેમના પરિવારજનો નજીકના ગામમાંથી તેમને પકડી લાવ્યા હતા અને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. વીડિયો વાઇરલ થતા રંગપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રાયોટિંગ, અપહરણ સહિતના ગુના અંતર્ગત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પરિવારજનો ગુસ્સે હતા. કારણ કે, સ્થાનિક પરંપરા એક જ ગામના પુરૂષ અને સ્ત્રીના લગ્નને મંજૂરી આપતું નથી.

ABOUT THE AUTHOR

...view details