ચલામલીના હાઈસ્કૂલ રોડ પર હાલ ઉભરાતું ગટરનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારના લોકો માટે માથાનો દુખાવો સમાન બન્યું છે. ગટરના ઉભરાતાં ગંદા પાણીથી રોગચાળો ફાટી ન નીકળે તેવો ગ્રામજનોને અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓને ભય સતાવી રહ્યો છે. પંચાયતના સત્તાધીશો પોતાની આળસ ખંખેરી ગ્રામજનોના હિતમાં વહેલીતકે ગટરનું સમારકામ કરવામાં આવે તેવી માગ ઊઠી છે. તેમ થતાં વારંવાર તંત્રમાં રજૂઆતોને કોઇ સાંભળતું નથી અને પરિણામ શૂન્ય જ આવે છે. છેલ્લા અઠવાડિયાથી મુખ્ય રસ્તા પર ઉભરાતા પાણી અંગે આસપાસના રહીશો તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાતા નથી. કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે ત્યાર બાદ તંત્ર જાગશે તેવી પંથકમાં ચર્ચા જાગી છે.