- પાવીજેતપુર પોલીસ મથક ઉપર ગ્રામજનોનો હલ્લો
- પીએસઆઇ, પોલીસ કર્મી અને જી.આર.ડી. જવાન સામે નોંધાઈ ફરિયાદ
- 307, 325, 114 મુજબ ગુનો દાખલ
છોટાઉદેપુર: પાવીજેતપુર તાલુકાના ઘૂટિયા ગામ પાસેથી દારૂની ખેપ મારતા બુટલેગરને પોલીસએ રોકવા જતાં તેની મોટર સાઇકલ સ્લીપ થઈ હતી અને ગંભીર ઇજા થઈ હતી. બુટલેગરને સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરાયો હતો. જ્યાં તેની તબિયત નાજુક હોવાનું પરિવારજનોનું કહેવું છે. જો કે ઇજાગ્રસ્તને પોલીસે માર માર્યા હોવાના આક્ષેપ સાથે ગામની મહિલાઓએ પી.એસ.આઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પર આવી હલ્લો મચાવ્યો હતો.
ઇજાગ્રસ્ત ગંભીર જણાતા તેને તાત્કાલિક વડોદરા ખાતે રિફાર કરવામાં આવ્યો
છોટાઉદેપુર તાલુકાના ખોરવાણિયા ગામના રાજેશ રાઠવા અને તેનો મિત્ર લીલેશ રાઠવા 1 ફેબ્રુઆરીના રોજ મોટર સાઇકલ પર દારૂ લઈ ચીલાવાડા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ધૂટિયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બાઇક સ્લીપ થઈ હતી. જેથી રાજેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બાઇક પર સવાર તેમના મિત્ર ત્યાંથી ભાગી ગયા હતા. રાજેશને ગંભીર ઇજા થતાં તેને પાવીજેતપુર સરકારી દવાખાને લઈ જવાયો હતો. જોકે ઇજાગ્રસ્ત ગંભીર જણાતા તેને તાત્કાલિક વડોદરા ખાતે રિફાર કરવામાં આવ્યો હતો. પોલીસે 29 હજારનો દારૂ પલ્સર બાઇક અને મોબાઈલ મળી કુલ 99 હજારનો મુદ્દામાલ કબજે કરી રાજેશ સામે ફરિયાદ નોધાવીને બાઇકને બેફામ રીતે ચલલાવવા બાબતનો ગુન્હો પણ નોંધ્યો હતો. તો બીજીબાજુ ગામના લોકો અને બાઇક પર સવાર યુવકનું કહેવું છે કે સામેથી આવતી જુમલી ગાડીમાં બેસેલ પી.એસ.આઈ વિષ્ણુ પ્રજાપતિએ માથાના ભાગમાં દંડો મારતા રાજેશ ત્યાજ તેની બાઇક સાથે પડી ગયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે પીએસઆઇ સહિત કર્મચારીઓ સામે ફરિયાદ કરવાની માંગ કરી હતી.