- બોડેલીના એપીએમસી ખાતે કાર્યક્રમ યોજાશે
- મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી વિવિધ યોજઓનો ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે
- કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ રહેશે ઉપસ્થિત
છોટાઉદેપુર: આગામી 11મી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનો ખાત મુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
કાર્યક્રમ અંગે તમામ અધિકારીઓને માહિતગાર કર્યા
બેઠક દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમનું આયોજન સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ માર્ગદર્શન આપ્યું હતું. તમામ અધિકારીઓને કાર્યક્રમને અનુલક્ષીને સોંપવામાં આવેલી જવાબદારીઓ ગંભીરતાથી બજાવવા માટે તાકીદ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે પણ કાર્યક્રમના આયોજન અંગે વિગતે માર્ગદર્શન આપી ઉપયોગી સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક બારિયાએ કાર્યક્રમ અંગે તમામ અધિકારીઓને માહિતગાર કર્યા હતા.
તમામ સમિતિઓને સુપરત કરવામાં આવેલી કામગીરી અંગે વિગતે જાણકારી
એ.પી.એ.સી બોડેલી ખાતે યોજાનારા મુખ્યપ્રધાનના કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સમિતિઓનું પણ ગઠન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ તમામ સમિતિઓને સુપરત કરવામાં આવેલી કામગીરી અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે કાર્યક્રમના આયોજન અંગે સમયમર્યાદા ખૂબ ઓછી હોય ટુંકાગાળામાં પણ ખૂબ સુંદર આયોજન થાય એ માટે તમામ સમિતિઓને સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો હતો.
બેઠકનું સંચાલન કરવામાં આવ્યું
પાણી પુરવઠા વિભાગની યોજનાઓની સાથોસાથ અન્ય વિભાગોની પણ પૂર્ણ થયેલી યોજનાઓ હોય તો તેનું લોકાર્પણ અને જો કોઇ નવા પ્રકલ્પો શરૂ કરવાના હોય તો અન્ય વિભાગના કામોનો પણ આ કાર્યક્રમમાં સમાવેશ કરવા જણાવ્યું હતું.બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.ગામીત, છોટાઉદેપુરના પ્રાંત કલ્પેશભાઇ ઉનડકટ, બોડેલીના પ્રાંત ઉમેશભાઇ શાહ, નાયબ કલેકટર અંકિતાબેન પરમાર, નાયબ કલેકટર સુધાબેન વસાવા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.