છોટાઉદેપુર:નસવાડી તાલુકાના 212 ગામોમાં 42 જેટલી સરકારી અનાજની દુકાનો આવેલી છે. આ સરકારી ગોડાઉનમાંથી 42 દુકાનો પર અનાજ પહોચાડવામાં આવે છે. એકબાજુ દિવાળીના તહેવારમાં હજુ ગરીબોના ઘર સુધી અનાજ પહોંચ્યું નથી તેવામાં પુરવઠા ગોડાઉનની બેદરકારી બહાર આવી છે. નસવાડીના સરકારી અનાજના ગોડાઉન બહાર શટલ પાસે પડેલ અનાજની ગુણમાંથી ભૂંડો આરોગી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
વીડિયો વાયરલ થતાં લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. ભૂંડ જ્યારે ખેતરમાં ઊભા પાકને નુકશાન કરે છે ત્યારે આ તે પાકના છોડને ગાય, ભેંસ, બળદ પણ ખાતા નથી. જો કોઈ ભૂંડ મકાઈ, જુવાર, ડાંગર જેવા પાકને નુકશાન કરે છે. તો ભૂંડનું એઠું છોડ પશુઓ પણ ખાતા નથી. ત્યારે આ જે ભૂંડ અનાજ આરોગી રહ્યું છે તે ભૂંડનું એઠું અનાજ ગરીબ આદિવાસીઓને આપવામાં આવશે. આ અનાજ જો કોઈ માણસ ખાશે ત્યારે માણસને પણ અસર થઈ શકે છે.
'નસવાડી તાલુકાના સરકારી અનાજના ગોડાઉનમાંથી 42 દુકાનોમાં આ અનાજ જાય છે. આ ભૂંડ જ્યારે ઉભા પાકમાં નુકશાન કરે છે ત્યારે ગાય ભેંસ કે બળદ ખાતા નથી. આ ભૂંડનું એઠું અનાજ ગરીબ આદિવાસીઓને આપવામાં આવશે. અમારા આદિવાસી લોકોએ ભૂંડનું એઠું અનાજ ખાવાનું ? આ સરકારી ગોડાઉન મેનેજર પર સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ છે.'- વિનુભાઈ ભીલ, સામાજીક આગેવાન