છોટાઉદેપુર: ભારત દેશમાં હિન્દુ કેલેન્ડર મુજબ દિવાળીનો તહેવાર આસો વદની વાઘ બારસ, થી લઈને ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી ,નવું વર્ષ, અને ભાઈબીજ સુધીના તહેવારને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતાં છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓની દિવાળી, દેવ દિવાળી થી શરૂ થાય છે અને છેક હોળી સુધી આ ઉજવણી ચાલે છે. જુદા-જુદા ગામની અનુકૂળતા મુજબ જુદા-જુદા દિવસે બે મહિના સુધી આ ઉજવણીના ભાગ રૂપે પ્રકૃતિની પૂજા સાથે દિવાળીનો તહેવાર ઉજવી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવામાં આવે છે, સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે.
દિવાળીની પંરપરા: આદિવાસી સમાજના દરેક તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલા છે, ત્યારે આદિવાસી સમુદાય માટે દિવાળીના તહેવાર પણ એક ફસલી તહેવાર છે, ચોમાસાની ઋતુ દરમિયાન વાવણી કરેલ ધાન્ય પાકોની લણણી થઈ ગયાં બાદ નવું ધાન ઘરમાં આવે અને તે બાદ ગામના પટેલ, પુંજારો, અને ગામના આગેવાનો ભેગા મળી દિવાળીના તહેવારનો દિવસ નક્કી કરી દાંડી પીટીને દિવાળીના તહેવારની તારીખ અંગે ગામલોકોને જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ દિવાળીના તહેવારની હાટ બજારમાંથી ખરીદી કરવામા આવે છે, દિવાળીની ઉજવણીના પહેલા દિવસે ગામની સીમમાં બિરાજમાન દેવી-દેવતાઓની મહુડાના અર્ક દ્વારા પૂજા વિધી કરી, દિવાળીના તહેવારનું આમંત્રણ પાઠવવામાં આવે છે. દિવાળીના દિવસે સાંજે ગામના પુંજરા દ્વારા દેવના ડોળા (આંખો ખોલવાની વિધી યોજવામાં આવે છે, ત્યારબાદ નવા ધાન માંથી અડદ ના ઢેબરાં અને નવા ચોખા માંથી બનાવવામાં આવેલ તાયા અને મહુડા ના અર્ક થી ગામના દેવો અને પોતાના પૂર્વજો ની પૂંજા વિધી બાદ નવા ધાનમાંથી બનાવવામાં આવેલ વાનગીઓ આરોગવાની પરંપરા આજના આધુનિક યુગમાં માં જોવા મળી રહી છે,
શું છે માન્યતા:છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામમાં ગામની અનુકૂળતા મુજબ દિવાળીના તહેવારનો દિવસ નક્કી કરવામાં આવતો હોય છે, ખેતીના નવા ધાન્ય પાકો સારા પાક્યા તે બદલ પ્રકૃતિનો આભાર પ્રગટ કરવાની માન્યતા અનુસાર નવા અડદની દાળના ઢેબરાં અને નવા ચોખા ના લોટના તાયા બનાવી ગામના દેવો અને પૂર્વજોને મહુડાના દારૂ સાથે પૂજવાની માન્યતા મુજબ ગામમાં સુખાકારી જળવાઇ રહે તે માટે, દેવનાં ડોળા એટલે કે દેવની આંખો ખોલવાની વિધિ યોજવામાં આવે છે. જ્યારે દિવાળીની રાત્રે આખું ગામ ચોખ્ખું કરવા એક મોટા લાકડામાં જૂના હાડલાં, જૂના સૂપડાં, જૂની સાવરણીનો ઉતારો કાઢી ગામની સીમની બહાર મૂકી આવતાં હોય છે.