- બોડેલીમાં યોજાયો મીડિયો સેલનો વર્કશોપ
- વર્કશોપની શરૂઆત વંદેમાતરમ ગીત દ્વારા કરવામાં આવી
- મહાનુભાવોનું ખેસ પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું
છોટાઉદેપુરઃ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલ વિભાગના કન્વીનર પ્રશાંત વાળાની સૂચના અનુસાર 12 જાન્યુઆરી પહેલા તમામ જિલ્લામાં મીડિયા વર્કશોપ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાનો મીડિયા સેલનો વર્કશોપ બોડેલી ખાતે રામકબીર મંદિરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશમાંથી નવનિયુક્ત મધ્યઝોનના પ્રવક્તા કેયુર રોકડીયા, મધ્યઝોન મીડિયા સેલના ઇન્ચાર્જ સંજીવ પંચોલી, છોટાઉદેપુર જિલ્લા કોષાધ્યક્ષ રાજુ શાહ સહિત જિલ્લા,તાલુકાના અપેક્ષિત કન્વીનર,સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મીડિયાની ભૂમિકા મહત્વની
આ વર્કશોપમાં સંજીવ પંચોલીએ તમામ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકારે અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા હોવા છતાં ગત ટર્મમાં જિલ્લા-તાલુકા પંચાયતો ગુમાવવા પાછળ ક્યાંક લોકો સુધી સરકારે કરેલા વિકાસની વાત છેવાડાના લોકો સુધી પહોંચતી નથી. જેથી સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં મીડિયાની ભૂમિકા અતિમહત્વની બની રહે છે. સરકાર વિકાસના જે કાર્યો વિવિધ વિસ્તારોમાં કરે છે, તેને ઉજાગર કરવાનું કામ મીડિયાનું છે. મીડિયાનું કામ માત્ર સરકારની નકારાત્મક સમાચાર નહીં પરંતુ ભૂતકાળમાં ન થયેલા કામો સરકાર કરી રહી છે તેને પણ લોકો સુધી પહોંચાડવાનું છે.
કાર્યકરોને માર્ગદર્શન અને સૂચનોની આપ-લે
છોટાઉદેપુર જિલ્લાના વર્કશોપમાં મીડિયા સેલના કાર્યકરોને માર્ગદર્શન અને સૂચનોની આપ-લે કરવામાં આવી હતી. આ વર્કશોપ પૂર્થ થયે આભારવિધિ જિલ્લા મીડિયા સેલના સહ કન્વીનર મિતેષ પટેલે કરી હતી. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલે કર્યું હતું.