- સંખેડા તાલુકાના પરવેેટા ગામમાં રોડ રસ્તાનો અભાવ
- ગામમાં પીવાના પાણી માટે પણ કોઇ પણ પ્રકારની વ્યવસ્થા નથી
- ગામમાં એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓનો આગળનો અભ્યાસ અટકી જાય છે
છોટાઉદેપુર :જિલ્લાના સંખેડા તાલુકાના પરવેેટા ગામમાં રોડ રસ્તાનો અભાવ છે. ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના નથી, ચોમાસાના પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા ન હોવાથી ચોમાસાના સમયે બેટમાં ફેરવાઇ જાય છે. નદીના કિનારાઓનું સતત ધોવાણ થતું હોવાથી જેને લઈને હેરણ નદી કિનારાના ખેડૂતોમાં ચિંતા છે. ગામમાં 1થી 5 ધોરણની શાળા તો છે, પરંતુ વધુ અભ્યાસ માટે સંખેડા, વડોદરા તરફ જવાનું હોવાથઈ તેના માટે બસની સુવિધા નથી. જેને લઈ ચોમાસા દરમિયાન વાલીઓ તેમના વિદ્યાર્થીઓને ભણવા મોકલતા નથી. જેને લઈ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ગામમાં 1,000થી પણ વધુની વસ્તી હોવાથી ગામમાં સમ્શાન પણ નથી. આ દરેક સમસ્યા ગામના લોકો વેઠતા આવ્યા છે.
મહિલાઓ નદીએ પાણી ભરવા જવા મજબૂર
ગામમાં આવેલા કેટલાક બોર નકામા બની ગયા છે, ફક્ત એક જ બોર ગામની પ્રાથમિક શાળામાં ચાલે છે, તે બોર પર ગામની તમામ મહિલાઓ ઘર વાપરાસ માટે પાણી લેવા જાય છે. જોકે, ત્યાં પણ પાણી લેવા માટે મહિલાઓની લાંબી કતાર લાગે છે. લાઇટ ન હોય કે બોરમાં પાણી પૂરું થાય તો મહિલાઓને કલાકો સુધી બેસી રહેવાનો વારો આવે છે. જો કે, પીવાના પાણી માટે ગામના કિનારે આવેલી નદીમાં પાણી લેવા માટે ફરજિયાત જવું પડે છે અને તેમાય નદીમાં ઊંડા ખાડા ખોદી તેમાંથી બુંદ-બુંદ પાણી મેળવે છે. જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે તો આ ગામની મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.