- સી.આર. પાટીલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે
- સંખેડાના ગોલાગામડી ખાતે સી.આર.પાટીલનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- સી.આર પાટીલે કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
છોટાઉદેપુરઃ સી.આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત રાજ્યના છેવાડાના જિલ્લા એવા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે સંખેડાના ગોલાગામડી ખાતે સી.આર.પાટીલનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેઓએ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે કાર્યકર્તાઓ દ્વારા સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમનથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ
છોટાઉદેપુર ખાતે શુક્રવારે જિલ્લા સંકલનની બેઠક, જન સંઘના કાર્યકરના નિવાસ સ્થાને મુલાકાત, સંગઠન બેઠક બાદ કવાંટ ખાતે સાંસદના નિવાસ સ્થાને મુલાકાત અને નસવાડી ખાતે સી.આર.પાટીલને માસ્ક અને સેનેટાઈઝર વડે તુલાનો કાર્યક્રમ યોજાશે, જે માસ્ક સેનેટાઈઝરને આદિવાસી ગરીબ લોકોમાં વહેંચવામાં આવશે. નસવાડીના કાર્યક્રમ બાદ બોડેલી ખાતે જિલ્લા પ્રમુખ કાર્યલાયનું ઉદ્ઘાટન કરી સામાજિક ધાર્મિક આગેવાનો સાથે બેઠક પણ યોજવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમનથી છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
સંખેડા તાલુકાના ગોલાગાડી ખાતે સી.આર.પાટીલના સ્વાગત કાર્યક્રમમાં સી.આર પાટીલ માસ્ક વગર નજરે પડ્યા હતા. તેમજ કાર્યકર્તાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તો કેટલાક કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ કરનારા કલાકારો માસ્ક વગર જોવા મળ્યા હતા. આ બાબતે સી.આર પાટીલને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, કાર્યકરોમા ઉત્સાહ હતો. જોકે, સોશિયલ ડિસ્ટન્સનો કોઈ ભંગ થયો ન હોવાનું જણાવ્યું હતું.
સંખેડાના ગોલાગામડી ખાતે સી.આર.પાટીલનો સ્વાગત કાર્યક્રમ યોજાયો