- કોરોના કાળમાં ગુજરાતે વિકાસની ગતિને અવિરત રાખી છે- વિજય રૂપાણી
- કોરોના કાળના છેલ્લા પાંચ જ માસમાં રૂપિયા 25 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો લાભાર્થીઓ સાથે લાગણીસભર સંવાદ
છોટાઉદેપુરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે જિલ્લાના નાગરિકોની જનસુવિધા અને સુખાકારી માટે રૂપિયા ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂપિયા ૬૦૧.૮૮ કરોડના વિકાસ કામોનો તેમાં સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સગર્વ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂપિયા 25 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે.