છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો ખેતી ઉપર નિર્ભર તાલુકો છે અને કેટલાક ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદ આધારિત ખેતી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. તો કેટલાક ખેડૂતોને એગ્રીકલ્ચર વીજ કનેક્શન મળતા સિંચાઈ કરી રહ્યા છે. પરંતુ વીજ પુરવઠો આઠ કલાક નહીં મળતા આદિવાસી ખેડૂતોના ઉભા પાક ખેતરોમાં સૂકાઈ રહ્યા છે. કારણકે એમજીવીસીએલ કચેરીના અધિકારીઓની આડોડાઈ કહો કે અણઆવડત કહો, વીજ લાઈનમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેને લઇ પરેશાન ખેડૂતો મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીએ હાથમાં સૂકાયેલો કપાસનો છોડ લઇને આવી પૂરતા વીજ પુરવઠાની માંગ કરી રહ્યા છે.
આઠ કલાક વીજળી જોઇએ :સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી ખેડૂતોને આઠ આઠ કલાક વીજળી પુરી પાડવામાં આવે છે તેવા મોટા મોટા પ્રચાર પ્રસાર કરે છે. પરંતુ નસવાડી તાલુકામાં વાસ્તવિકતા કાઈંક જુદી જ છે. કલેડીયા ફીડરના ખેડૂતોને ખેતીની પુરી વીજળી નહીં મળતી હોવાથી પોતાના ખેતરમાં કપાસનો ઉભો પાક સુકાઈ રહ્યો છે તેવું બતાવવા કપાસના પાણી વિના સૂકાયેલા છોડ લઇ નસવાડી એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચી અમોને આઠ કલાક પુરી વીજળી આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.
ઓફિસમાં બેઠાં બેઠાં દાવો :ખેડૂતોએ એમજીવીસીએલના અધિકારીને આવેદન આપ્યું હતું ત્યારે અધિકારીએ ઓફિસમાં બેઠા બેઠા ખેડૂતોને પુરી આંઠ કલાક વીજળી મળે છે તેવો લૂલો બચાવ કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે આઠ કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હોય તો ખેડૂતોને એમજીવીસીએલ કચેરી સુધી સુકાયેલા કપાસના છોડનુ પ્રદર્શન કરવાની જરૂરિયાત જ ન ઉભી થાય.