છોટાઉદેપુરઃ બોડેલીમાં નકલી પ્રયોજના કચેરી ખોલીને કૌભાંડ કરવામાં આવ્યું છે. આ સમાચારથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી હતી. આ કૌભાંડમાં વધુ ઘટસ્ફોટક માહિતી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આપી છે. આ નકલી કચેરી કૌભાંડમાં 2016થી અત્યાર સુધી કુલ 21.15 કરોડ રુપિયાનું કૌભાંડ થયું છે. આ સમગ્ર કૌભાંડમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરીને તેમની આગળની પુછપરછ માટે રીમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.
કુલ 10 આરોપીની ધરપકડઃ છોટાઉદેપુરના બોડેલી ખાતે તા.26-10-2023ના રોજ નકલી પ્રયોજના કચેરી અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે આ ફરિયાદમાં 4 સરકારી કર્મચારીઓ સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરીને 4.15 કરોડ રુપિયાનું કૌભાંડ ઝડપી લીધું હતું. આ સમયે દાહોદ પ્રયોજના કચેરીમાં કૌભાંડની માહિતી સામે આવતા દાહોદ પોલીસે પણ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પૂર્વ આઈએએસ બી.ડી. નિનામા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકર સૈયદ, તેનો ભાઈ એઝાઝ સૈયદની ધરપકડ કરી છે જ્યારે પૂર્વ પ્રયોજના અધિકારી વી. સી. ગામિતે કોર્ટમાં સરન્ડર કર્યુ છે. આમ આ સમગ્ર કૌભાંડમાં સરકારી અધિકારીઓ સહિત કુલ 10 આરોપીઓને પોલીસ અત્યાર સુધી ઝબ્બે કરી ચૂકી છે. હવે પોલીસે આ આરોપીઓના રીમાન્ડ મેળવીને વધુ પુછપરછની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં મોટી રકમ સામે આવવાની શંકા વ્યક્ત કરી છે.