ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે આ ગેરનો મેળો...જાણો અહીંની સંસ્કૃતિ...

છોટા ઉદેપુર: આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે કવાંટનો મેળો. શનિવારે છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે સુપ્રસિદ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો હતો. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ મેળામાં અલગ-અલગ પ્રાંતની સંસ્કૃતિના સમન્વય સમાન લોકનૃત્ય સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મેળામાં હજારોની આદિવાસી જનમેદની સાથે વિદેશ સહેલાણીઓએ પણ મેળાની રંગત માણી હતી. સાથે મતદાન જાગૃતિના કાર્યક્રમની ઝાંખી પણ કરાવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 9:58 PM IST

છોટા ઉદેપુર એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોની સરહદમાં આવેલું રાજ્ય છે. ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસીઓમાં હોળી એ સૌથી મહત્વનો અને મોટો તહેવાર છે. જેને કારણે હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા-જુદા ગામડાઓમાં વિવિધ મેળાઓ યોજવામાં આવે છે. જેમાં સૌથી પ્રસિદ્ધ અને મોટો ક્વાંટનો ગેર મેળો ગણવામાં આવે છે. વર્ષ દરમિયાન લીધેલી માનતાઓ પૂર્ણ થતા પોતાના ઈષ્ટ દેવને આપેલા વચન પ્રમાણે આદિવાસીઓ આદિમાનવ સહિત ગેરૈયાઓના વિવિધસ્વરૂપ ધારણ કરે છે. પોતાની માનતા પ્રમાણે ગેરની ભીખ માંગે છે, જેને ગોઠપણ કહેવામાં આવે છે. ભીખમાં મળેલી રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે અને એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવામાં આવે છે.

આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો ગેર મેળો

આ ઉપરાંત આદિવાસીઓ ઢોલ-નગારા તેમજ પાવાના તાલે ઘુઘરા બાંધીને ટીમલી નૃત્ય કરે છે.જે આદિવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે,આદિવાસીઓના મુખ્ય પર્વ એવા આ ગેરના મેળા સમયે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા વિવિધ પ્રાંતની ઝાંખી કરાવતા કાર્યક્રમના કારણે ગેરના મેળામાં વિઘ્ન સર્જાય છે. તેમજ સરકારને આગામી વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે નહીં તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યાં છે.

આ મેળામાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ કમલ દયાની, સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ તેમજ જિલ્લા ન્યાયાધીશ કે.એસ.પટેલ સહિત જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ વિશેષ કાર્યક્રમમાં વિવિધ પ્રાંતની સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો સાથે મેળામાં વિદેશ સહેલાણીઓ પણ આદિવાસીઓની સાથે ટીમલીના તાલે ઝુમતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details