છોટાઉદેપુર: ભારત સરકારની વનનીતિ 1988 મુજબ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવા જોઈએ. જેની સામે રાજ્યમાં અંદાજે 11 ટકા જ છે. તો બીજી તરફ કાયદાકીય જાહેર થયેલા વન વિસ્તારમાં વધારો કરવો પણ અશક્ય છે. તેવામાં વન બહારના વિસ્તારમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારને વધારવા સરકારે વન મહોત્સવ થકી લક્ષ્યને પાર પાડવાનું નકી કર્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે આજે 71માં જિલ્લા કક્ષાના વનમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર ખાતે રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષતામાં 71મો જિલ્લા કક્ષાનો વનમહોત્સવ યોજાયો
જિલ્લામાં આજ રોજ ગુરૂવારે 71માં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
વનમહોત્સવનું આયોજન રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતું. જેમાં સાંસદ ગીતાબેન રાઠવા, કોંગી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી સહિત જિલ્લાના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કોવિડ-19ની અમલવારીની સાથે કાર્યક્રમમાં 50 લોકો માટેની બેઠક વ્યવસ્થા સોશિયલ ડીસ્ટન્સ સાથે રાખવામાં આવી હતી. આ તકે નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યાએ જણાવ્યું કે જિલ્લામાં ખાતાકીય વાવેતર માટે 13,80,000 રોપાનું વિતરણ કરવામાં આવશે. તો આ અંગે ફોરેસ્ટ યોજના લાભાર્થી ખેડૂતને 2000, સ્કુલને 100, સંસ્થાને 200 રોપા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત છોટાઉદેપુર ખાતે મહિલા નર્સરીમાં 2,20,000 રોપાઓનો મહિલા દ્વારા ઉછેર કરવામાં આવશે. આ પ્રસંગે વનીકરણ અને નર્સરી વિભાગમાં શ્રેઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને વૃક્ષ ખેતીમાં સારી કામગીરી કરનાર ખેડૂતોને પ્રશસ્તી પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ સંખેડાના TDOને યોજનાનો 1,50,000નો ચેક આપવામાં આવ્યો હતો. આ સાથે તમામ મહેમાનો દ્વારા એક વૃક્ષના રોપાનું રોપણ કર્યું હતું.