- ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂ ની હેરાફેરી.
- ટ્રકચાલકે પોલીસને આપ્યો બિદાસ્ત જવાબ
- દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂની રેલમછેલ
છોટા ઉદેપુર : ગુજરાતમાં દારૂબંધી હોવાના લીધે પોલીસની આંખમાં ધૂળ નાખી દારૂની હેરા ફેરી કરવા બુટલેગરો અનેક અવનવા પ્રયોગ કરતા જોવા મળ્યા છે. ત્યારે છોટાઉદેપુરના DYSP એ. વી. કાટકરને એક ટ્રક દારૂ ભરીને આવતી હોવાની બાતમી મળતા છોટાઉદેપુરના રંગપુર નાકા પાસે વોચ ગોઠવી બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી તેનું ચેકિંગ કર્યું હતું.
પોલીસે 4.80 લાખના દારૂ સાથે એકને દબોચી લીધો, 14.80 લાખનો મુદ્દામાલ જપ્ત ટ્રકચાલકે કહ્યું, બિન્દાસ્ત ચેક કરો
છોટા ઉદેપુર પોલીસ દ્વારા ચેક કરતા ટ્રક એકદમ ખાલી અને ટ્રકમાં ક્યાંય દારૂ ભર્યો હોય તેમ જણાતું ન હતું. ટ્રકચાલકે પણ બિદાસ્ત બની જણાવ્યું કે, તમારે જે ચેક કરવું હોય તે ચેક કરો. જેથી પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી, પરંતુ ચોક્કસ બાતમી હોવાને લીધે સઘન તપાસ કરતા જણાયું કે, ટ્રકમાં વેલ્ડિંગ મારી ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું. જે બાદ જ્યારે ચાલકે ચોરખાનું ખોલ્યું ત્યારે પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. ચોર ખાનામાંથી દારૂની 100 પેટી મળી આવી હતી.
4.80 લાખના દારૂ સાથે કુલ 14.80 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા 4.80 લાખના દારૂ સાથે પૃથ્વીરાજ નામના ટ્રકચાલકની અટકાયત કરી ટ્રક સાથે કુલ 14.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. સદર દારૂ મઘ્યપ્રદેશ થઈ આણંદ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.