ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવાની પરવાનગી રાજ્ય સરકારે રદ કરી - gandhinagar

ગાંધીનગરઃ નીતિન સાંડેસરા વિવિધ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયો છે. તેમની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રાજ્ય સરકારે રદ કરી છે. રાજ્ય સરકારે આ નિર્ણય લઇ ગેરરીતિ આચરનારાઓ સામે લાલ આંખ કરી છે. વિજય રૂપાણીએ સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડના બાકી રહેતા નાણાં વસુલવા તાત્કાલિક પગલાં લેવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને આદેશ કર્યો છે.

stearling

By

Published : Jul 8, 2019, 10:50 PM IST

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડે નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકને ડિસેમ્બર 2008માં દહેજ બંદરને ઓલ વેધર ડાયરેકટ બર્થિંગ પોર્ટ તરીકે વિકસાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા સાથે ઇરાદાપત્ર જાન્યુઆરી 2009માં આદેશ 00આપ્યો હતો. તેની સાથે મેરીટાઇમ બોર્ડે દહેજ ખાતે 84.95 હેકટર સરકારી જમીન ભાડાપટ્ટે જુન 2010માં ફાળવી હતી. આ જમીન સમતલ કરવા અને ફેન્સિંગ કરવા અને પોર્ટના બાંધકામ માટે માર્ચ 2011માં બોર્ડે મંજૂરી આપી હતી.

સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ અને તેના કોન્સોર્ટિયમના સાથી સભ્યો દ્વારા દહેજ બંદરના વિકાસ માટે નવી કંપની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડની રચના કરવામાં આવી હતી. આ નવી કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે જુન 2014માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. એગ્રીમેન્ટ અનુસાર પ્રથમ તબક્કા માટે કંપની આશરે રૂપિયા 2500 કરોડનું રોકાણ કરી દહેજ બંદરનો વિકાસ હાથ ધરશે અને તેના માટે કુલ પ્રોજેકટ કિંમતના દોઢ ટકા લેખે બાંધકામની માટે રૂપિયા 5 કરોડ પરફોર્મન્સ ગેરંટી ગુજરાત મેરીટાઇમ બોર્ડને આપશે તેવો કરાર થયો હતો.

પરંતુ ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એગ્રીમેન્ટ પછી કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી. મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂપિયા 37.50 કરોડની બેંક ગેરંટી તેમજ 84.95 હેક્ટર જમીનનું નિયત ભાડું ચૂકવી આપવામાં પણ સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ નિષ્ફળ પુરવાર થઇ હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ વિકાસકાર કંપની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ તેમજ નાણાં રોકનાર સંસ્થાઓને છ માસનો સમય આપવા છતાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની તાકીદે બોલાવાયેલી બોર્ડની બેઠકમાં રચાયેલી સમિતિએ આંધ્ર બેંકને પરવાના ધારક તરીકે નિયુકત કરવાની તથા સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ અને ગુજરાત સરકાર તથા મેરીટાઇમ બોર્ડ વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા તેમજ તમામ ગેરંટીની રકમો જપ્ત કરવા કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે. રાજ્ય સરકારે સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડને આપેલી 84.95 હેકટર જમીનનો કબજો પરત લેવા આદેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details