ગૃહ વિભાગ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમ્મરે ગૃહમાં પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ એક પણ ધારાસભ્યના કોલ ઉપડતા નથી કે, યોગ્ય જવાબ આપતા નથી. જેથી અધિકારીઓ સરકારના પ્રોટોકોલનો ભંગ કરી રહ્યા છે અને આ પ્રકારનું વર્તન તેમને શોભતું નથી. જેથી ગૃહના અધ્યક્ષ આ મામલે કોઇ સખત પગલાં ભરે તેવી માંગ કરી હતી. અધ્યક્ષે આ મામલે જવાબ આપતા જણાવ્યું હતું કે, સરકાર તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવશે કે, જ્યારે તમામ સભ્યો કોલ કરે ત્યારે અધિકારીઓ કોલ ઉપાડવો અને જરૂરી માહિતી ધારાસભ્યોને પુરી પાડવી.
વિધાનસભામાં પોલીસ વિભાગ પર સવાલો ઊભા થયા, કોંગ્રેસનો ચોતરફા ઘેરાવ - Pradipsinh jadeja
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં આજે સાંજની ચર્ચામાં કોંગ્રેસના સભ્યો દ્વારા રાજ્યની પોલીસના એક બાજુ વખાણ કરવામાં આવ્યા હતા, તો બીજી બાજુ પોલીસ અને સરકાર પર કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જામનગર પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની આવક 2 કરોડ હોવાનો દાવો કર્યો હતો.
સાથે જ વિક્રમ માડમે રજૂઆત કરી હતી કે, પોલીસ પહેલા હપ્તા લેતી હતી, હવે ભાગીદારી કરે છે. દારૂ, જુગાર અને ખનીજ ચોરીના ધંધામાં પોલીસની ભાગીદારી હોય છે. નવાઈ લાગશે કે, મારા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની આક 2 કરોડ છે. જ્યારે ગ્યાસુદ્દીન શેખે 2 દિવસ પહેલા શાહપુર પોલીસ સ્ટેશનમાં થયેલ માથાકૂટ બાબતે ગૃહમાં પોતાનો પક્ષ રજુ કરતા જણાવ્યું કે, પોલીસ મારી ઓફિસે આવીને ધમકાવી રહી છે, જ્યારે મેં કોઈ પણ પ્રકારના નિયમોને ભંગ કરતી કામગીરી કરી નથી. આ રજુઆત સામે પ્રદીપસિંહે જવાબ આપતા જણાવ્યું હતું કે, ગ્યાસુદ્દીન જે ઘટનાની વાત કરે છે તેનાથી હું વાકેફ છું. ટોળા ભેગા થવાનું કારણ ખોટો મેસેજ વાયરલ થયો હતો તે છે, બે અલગ અલગ જ્ઞાતિના લોકોએ લગ્ન કર્યા એવી અફવા ફેલાઈ હતી. જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે, તે તો એક જ જ્ઞાતિના છોકરા-છોકરીએ લગ્ન કર્યા હતા.
ગ્યાસુદ્દીનનું ધારાસભ્ય તરીકે માન સન્માન જળવાય તેની હું ચિંતા કરું છું. જ્યારે ભૂતકાળમાં કેટલાક લોકો ધારાસભ્ય હોવાનું કહીને પોલીસ અધિકારીને દબાવાનો પ્રયત્ન કરતા હતા. મારા પોલીસ અધિકારીઓને કોઈ દબાવવાનો પ્રયત્ન કરશે તે હું ચલાવી નહિ લઉં. કોંગ્રેસના આક્ષેપ બાદ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના સભ્યોએ જે દારૂ બાબતે નિવેદન આપ્યું છે તે પહેલાની વાત છે, પણ હવે પોલીસ એકદમ એક્ટિવ અને સ્માર્ટ થઈ ગઈ છે. જ્યારે દારૂને શોધવા માટે હવે ડોગની મદદ લેવામાં આવશે. ડોગને દારૂ શોધવા માટે ખાસ પ્રકારની તાલીમ અપાશે અને વાહનોમાં દારૂની હેરાફેરી થાય છે તેથી વાહનો ચેકીંગ માટે ડોગની મદદ લેવામાં આવશે, જેથી હવે રાજ્યમાં આવતો દારૂ બંધ થશે.