બોટાદ:બોટાદના સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોમાં તેમને સેવક તરીકે દર્શાવાતા વિવાદ વકર્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર સાધુ-સંતો અને મહંતો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ આંદોલન કરશે તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ આવા કોઈ આંદોલનનું પ્રતિનિધિત્વ નહીં કરે.
કોઈ આંદોલનનું પ્રતિનિધિત્વ નહીં કરે આંદોલનના અહેવાલોનું ખંડન: કેટલાક માધ્યમોમાં વિશ્વ હિન્દુ પરિષદ આગેવાની સ્વીકારીને આંદોલન કરશે તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેને વિશ્વ હિન્દુ પરિષદે પાયાવિહોણા ગણાવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ હનુમાનજી મહારાજની પ્રતિમા અને ત્યારબાદ થયેલા વિવાદને લઈને કોઈપણ આંદોલનની આગેવાની કરશે નહીં પરંતુ સનાતન ધર્મ સંસ્કૃતિના સંતોના માર્ગદર્શન હેઠળ સાધુ સંતો દ્વારા પરસ્પર સંવાદથી સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં આગળ વધશે.
સમાજમાં ભેદ ઉભો કરવાનો પ્રયાસ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કેટલાક લોકો સનાતન ધર્મના સમાજમાં ભેદ ઉભો કરવાનું જાણે કે અજાણે પ્રયાસ કરે છે જેને વિશ્વ હિન્દુ પરિષદ યોગ્ય માનતી નથી. પરિષદ સ્પષ્ટપણે માને છે કે હિન્દુ સમાજ પોતાની આંતરિક સમસ્યાઓના સમાધાન માટે સ્વયં સક્ષમ અને મજબૂત છે. સંતો ધર્માચાર્યો અને સનાતન ધર્મ સાથે જોડાયેલા બુદ્ધિજીવી સાથે મળીને આ પરિસ્થિતિમાંથી પણ યોગ્ય માર્ગ કાઢીને સમાજનું માર્ગદર્શન કરશે.
VHPની સંતોને અપીલ: આ સાથે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ધર્મના તમામ સંતોને અપીલ પણ કરી રહી છે કે જાહેર નિવેદનોના બદલે સાથે બેસીને યોગ્ય માર્ગ કાઢીને સનાતન ધર્મ સમાજની એકતાને બળ મળે તે પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરે. જે પ્રશ્ન અત્યારે ઉદ્ભવ્યો છે તેનું ખૂબ જ ઝડપથી સમાધાન અને ઉકેલ આવી જશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયામાં કે જાહેર માધ્યમમાં સામાન્ય લોકો નિવેદન આપવાથી બચે તો સમાજની એકતા ટકી રહે તે માટે સૌ કોઈએ પ્રયાસ કરવો જોઈએ તેવી વિનંતી પણ વિશ્વ હિન્દુ પરિષદે કરી છે.
- Salangpur Hanuman Controversy: સાળંગપુરમાં હનુમાનજીને સેવા કરતાં દર્શાવતા ભીંંતચિત્રો મુદ્દે વિવાદ, જાણો VHP, મોરારી બાપુ અને મંદિરના ટ્રસ્ટે શું કહ્યું
- Salangpur Hanuman Controversy: રોકડિયા હનુમાનજીના મંદિરના મહંતે ધર્મ માટે હથિયાર ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી