બોટાદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મળાબેન પરમાર તથા અન્ય ચૂંટાયેલા 6 સભ્યો કચેરીમાં જ અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન પર બેઠા છે. કારણ કે, બોટાદ નગરપાલિકા દ્વારા એકને ખોળ અને એકને ગોળની નીતિ અપનાવવામાં આવી રહી છે. જો કોઈ શોપિંગના માલિક વહીવટ ન કરે તો, તેના શોપિંગ સેન્ટરને વિવિધ કાયદાના બહાના હેઠળ સીલ કરી દેવામાં આવે છે અને જે કોઈ શોપિંગના માલિકો સાથે વહીવટ હોય તેને છોડી દેવામાં આવે છે. તેમજ નગરપાલિકાના ભાજપ શાસિત વોર્ડમાં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે, જ્યારે બીજા વોર્ડમાં કોઈ કામ કરવામાં આવતું નથી.
બોટાદમાં કોંગ્રેસના 6 સભ્યો ધરણા પર, પ્રવક્તા મનહર પટેલે છાવણીની લીધી મુલાકાત - Botad Municipality
બોટાદઃ શહેરની નગરપાલિકાના સત્તાધીશોમાં પક્ષપાતી વલણ હોવાથી લોકોને પ્રાથમિક સુવિધાનો લાભ મળી રહ્યો નથી. જેથી બોટાદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મળાબેન પરમાર નગરપાલિકાના કોંગ્રસેના 6 સભ્યો સાથે ધરણા પર બેઠા છે. તેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ઉપવાસી છાવણીની મુલાકાત લીધા બાદ બોટાદના વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી.
હાલમાં બોટાદના રોડ રસ્તાની સ્થિતિ ખૂબ દયનિય હાલતમાં છે. જ્યાં-ત્યાં ગંદકી અને કચરાના ઢગલા પડેલા છે અને રખડતા ઢોરનો ત્રાસ છે. અમુક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો નો અભાવ છે, ત્યાં લાઈટો નાખવામાં આવતી નથી. બોટાદને હાલમાં જે આઠથી દસ દિવસે પાણી મળે છે, તે દર ચાર દિવસે આપવામાં આવે તેવી વિવિધ માગણીઓ કરવામાં આવી છે.
આ ઉપવાસીઓ છેલ્લા ત્રણેક દિવસથી ઉપવાસ પર બેઠા છે. જેની જાણ લાગતા-વળગતા અધિકારીઓને પણ છે. તેમ છતાં કોઈ અધિકારીએ આ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી નથી કે, કોઈ આશ્વાસન પણ આપ્યુ નથી. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાના છીએ તેમ પણ જણાવ્યું હતું.
TAGGED:
Botad Municipality