બોટાદ: ગઢડા તાલુકાનું લાખણકા ગામ કે જ્યાં આ ગામની દરેક દીવાલ છે ગણિતના સૂત્રોથી સુસજ્જ, ગામની દીવાલો પરના લખાણો વાંચીને તમારૂં સામાન્ય જ્ઞાન વધી જશે. અંગ્રેજી ભાષાના વાક્યોનો અર્થ અને ગુજરાતી ભાષાની સમજ પણ દીવાલો પરના સુંદર સુશોભનથી મળશે. રંગબેરંગી અક્ષરોમાં લખાણ, ચિત્રો સાથે ગામના બાળકો અને ગ્રામજનોને જ્ઞાન પીરસે છે. લાખણકા પ્રાથમિક શાળાના શિક્ષક મનીષભાઇ જેઠવાએ ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવા અને ગામના લોકોનું સામાન્ય જ્ઞાન વધારવાનો આ અભિગમ હાથ ધર્યો છે.
મોજીલું શિક્ષણ: લાખણકા ગામમાં જ્ઞાનની ગંગા વહાવનારા શિક્ષક મનીષભાઇ બાળકોને ‘આનંદમય શિક્ષણ, મોજીલું શિક્ષણ’ આપી રહ્યા છે. સામાન્ય રીતે શાળાએથી છૂટ્યા બાદ બાળકો રમવામાં અને પરિવાર સાથે પોતાનો સમય પસાર કરતા હોય છે. પરંતુ જો બાળકો આ નવરાશના સમયનો ઉપયોગ સામાન્ય જ્ઞાનમાં વધારો કરીને ગણિત, વિજ્ઞાન, ગુજરાતી સહિતના વિષયોનો પાયો પાક્કો કરવામાં કરે તો શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે. બસ આ જ વિચારથી મનિષભાઈએ ગામની દીવાલોને ‘જ્ઞાનવર્ધક દીવાલો’માં પરિવર્તિત કરવાનું નક્કી કર્યું હતું.
દીવાલો બોલે છે:બાળકોને અને ગામલોકોને શિક્ષિત કરતા શિક્ષકે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રક્રિયા નિરંતર શરૂ રહે તે માટે ‘ગામની દીવાલો બોલે છે’ પ્રયોગનો વિચાર આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ પણ બાળકોનું શિક્ષણકાર્ય યથાવત રહે અને ગામલોકોના સામાન્ય જ્ઞાનમાં પણ વધારો કરવાના હેતુથી પ્રયોગ શરૂ કર્યો હતો. ગામની શેરીઓ, મુખ્ય બજારમાં, મંદિર સહિતની જગ્યાઓ પર જ્યાં બાળકો શાળા બાદનો સમય પસાર કરતા હોય તેવી જગ્યાઓ પસંદ કરી અને ગણિત, અંગ્રેજી, ગુજરાતી સહિતના વિષયોના જરૂરી સૂત્રો લખવાનું કાર્ય મેં શરૂ કર્યું હતું. આ કાર્યમાં લાખણકા પ્રાથમિક શાળા અને ગામલોકોનો પણ ખૂબ મોટો સહકાર મળ્યો છે.