બોટાદ: જિલ્લામાં આવેલું ગઢડા શહેર કે જે ગઢડા (સ્વામિના) તરીકે પ્રચલિત છે. કારણ કે અહિયાં ભગવાન સ્વામીનારાયણ પોતે 29 વર્ષ સુધી ગઢડામાં રહી ગઢડાને પોતાની કર્મ ભૂમી બનાવી હતી. સાથે જ અનેક જીવાત્માના ઉદ્ધાર કર્યા હતા. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનો ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી ભગવાને ગઢડામાં લખ્યો છે. જેથી ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધાર્મિક સ્થાન છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધામ ગઢડાનો યાત્રાધામમાં સમાવેશ કરવા માગ
બોટાદના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે મોટા મંદિરો આવેલા છે. અહીં દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં હરિભકતો આવે છે પરંતુ ધંધા રોજગારની દ્રષ્ટિએ ગઢડા પાછળ છે. જેથી સરકાર ગઢડાને યાત્રા વિકાસ ધામમાં સમાવેશ કરે તો ગઢડાનો વિકાસ થાય. હાલમાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આવનારા ઉમેદવાર ગઢડાને યાત્રા વિકાસ ધામમાં સમાવેશ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.
બીજી બાજુ ગઢડામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. ફકત હીરા અને ખેતી ઉપર નભતો તાલુકો છે જેથી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ગઢડાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું જેથી આવતી 3 નવેમ્બરે ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે.
ત્યારે ગઢડા વિધાનસભા મત વિસ્તારના લોકો આવનારા ઉમેદવાર પાસે ઘણી આશાઓ રાખીને બેઠા છે. ગઢડા વિધાનસભાના ઉમેદવાર આવતા દિવસોમાં ગઢડાને યાત્રા વિકાસ ધામમાં સમાવેશ કરાવે જેથી રોડ રસ્તા, ઔદ્યોગિક વિકાસ, ધંધા રોજગારનો વિકાસ થાય અને ગઢડા ધમધમતુ થાય તેવી ગઢડાના નગરજનો દ્વારા માગ ઉઠી છે.