બોટાદ તાલુકાના ગઢડા ગામે સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો હતો. તેમજ આચાર્ય પક્ષની હાર થઈ હતી. ચૂંટણી બાદ દેવપક્ષના રાકેશ પ્રસાદજી પ્રથમવાર ગઢડા સ્વામિનારાય મંદિર ખાતે પહોંચ્યા હતા. જેના કારણે અહીં આચાર્ય પક્ષની મહિલાઓએ હોબાળો મચાવતા બંન્ને પક્ષની મહિલા અનુયાયીઓ સામસામે આવી જતાં ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.
ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષના અનુયાયીઓ વચ્ચે વિવાદ - Gujarat
બોટાદઃ ગઢડામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષના અનુયાયીઓ વચ્ચે વિવાદ થયાની ઘટના સામે આવી છે. તાજેતરમાં મંદિરમાં યોજાયેલી ચૂંટણી બાદ રાકેશ પ્રસાદજીના આગમનને સંદર્ભે બંન્ને પક્ષના મહિલા અનુયાયીઓ બાખડતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
ઘટના રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા સુરક્ષા હેતુસર પોલીસ બોલાવી લેવાઈ હતી. જ્યાં પોલીસે મધ્યસ્થી કરી બંન્ને પક્ષને શાંત પાડ્યા હતા. પોલીસે કેટલાક મહિલા અનુયાયીઓની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં માફીપત્ર લખાવી તેમને છોડી મુકાયા હતા. આ ઘટના અંગે પોલીસ મથકે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાઈ નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દેવ પક્ષના અનુયાયીઓએ આચાર્ય પક્ષના અનુયાયીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ ચૂંટણી હારી જતા આ પ્રકારનુ કૃત્ય કર્યુ છે.
આ સમગ્ર ઘટના અંગે બોટાદ જિલ્લાના પોલીસવડા હર્ષદ મહેતાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ દ્વારા કોઈ મહિલાઓને માર મારવામાં આવ્યો નથી. તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાં પણ કોઈ વ્યક્તિએ પોલીસ કે એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી નથી. આચાર્ય કે દેવ પક્ષ તરફથી પણ મહિલાઓને માર મારવાની બાબતની કોઈ અરજી કે ફરિયાદ આપી નથી. ગઢડા પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગયા હતા, આ મુદ્દે કોઈ પણ ફરિયાદ રજીસ્ટર ન થાય ત્યાં સુધી હું કોઈ જાણકારી આપી શકું નહીં તેવું જણાવી કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવાથી બચ્યા હતા.