- જિલ્લામાં અત્યાર સુધી 1900 લોકોએ કોરોના વેક્સિન લીધી
- 5 કેન્દ્રો પર રસી આપવાની કરાઈ છે વ્યવસ્થા
- 4 હજાર ડોઝ બોટાદ જિલ્લાને ફાળવવામાં આવ્યાં છે
બોટાદઃ જિલ્લામાં કોરોના વેક્સિન આપવાના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. પહેલા તબક્કામાં 1900 લોકોએ રસી લીધી હતી, ત્યારે હવે બીજા તબક્કામાં પોલીસ, કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીને રસી આપવામાં આવશે.
કોઈપણ વ્યક્તિને અત્યાર સુધીમાં કોઈ તકલીફ કે આડ અસર થઈ નથી
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં 4 હજાર ડોઝ ફાળવવામાં આવ્યાં હતા, જેમાં પ્રથમ કોરોના વોરિર્યસ તરીકે ડોકટર, પેરામેડીકલ સ્ટાફનો સમાવેશ કરી તેમને રસી આપવામાં આવી છે. જેમા આજદિન સુધીમાં 1900 લોકોને રસી આપવામાં આવી છે અને કોઈપણ વ્યક્તિને અત્યાર સુધીમાં કોઈ તકલીફ કે આડ અસર થઈ નથી. ત્યારે સોમવારથી રસી આપવાના બીજા તબક્કામાં પોલીસ અધિકારી, કલેકટર કચેરીના કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓને રસી આપવાની શરૂઆત બોટાદના સોનાવાલા હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા સહિતનાઓએ વેક્સિન લીધી
જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ રસી લીધી હતી. અને સંપૂર્ણ વ્યવસ્થા સારી હોવાની વાત સાથે લોકોને રસી લેવા અપીલ કરી હતી. કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર તેમજ કર્મચારી અને ચીફ ઓફિસરે પણ કોરોનાની રસી લીધી હતી. તેઓએ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને ખૂબ સારી ગણાવી હતી અને લોકોને રસી લેવાની અપીલ પણ કરી હતી.
બોટાદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત