અધિકારીઓની જાતતપાસમાં મામલો આવ્યો બહાર બોટાદ :બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલના CDMO અલ્કાબેન બળદેવે ભાડા ભથ્થામાં આશરે 3 થી 4 લાખ રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. સરકારી ડોક્ટર સરકારી ક્વાટર્સમાં રહેતાં હોવા છતાં ભાડાના નામે સરકાર પાસેથી લાખો રુપિયા ખંખેરી લીધાં છે.
વિભાગીય નાયબ નિયામકે કરી તપાસ : સરકારી હોસ્પિટલના સરકારી ડોક્ટરના આવા ભ્રષ્ટાચારનો મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે અધિકારીઓએ તપાસ કરી હતી. બોટાદના વિભાગીય નાયબ નિયામક ડો. એમ.જે. ફેન્સી અને RCHO ડો. એ.કે. સિંહની તપાસ દરમિયાન સરકારી ડોક્ટર દ્વારા ગેરરીતિ આચરી ભાડાના રુપિયા ખંખેરાયા હોવાનું સમગ્ર કૌભાડ સામે આવ્યું હતું.
બોટાદ સરકારી હોસ્પિટલના ડોક્ટરનું કૌભાંડ : સરકારી હોસ્પિટલના સરકારી ડોક્ટરના આવા કૌભાંડ અંગે નામ જાહેર થતાં CDMO અલ્કાબેન બળદેવે આ બાબતે જણાવ્યું હતું કે મારે તાત્કાલિક જવાબ આપવાનો છે માટે હાલ નહીં પણ પછી તમને સમગ્ર પ્રકરણ અંગે માહિતી આપીશ.
આ પણ વાંચો Republic Day : બોટાદમાં હવે ઘરઆંગણે મળશે મેડિકલ શિક્ષણ, CMએ 5 કરોડ રૂપિયા આપવા કરી જાહેરાત
તપાસ દરમિયાન ડોક્ટરનું કારનામું બહાર આવ્યું : આ મામલે ઊંડાણપૂર્વકની માહિતી એવી છે કે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલના CDMO તરીકે ડો. અલ્કાબેન બળદેવ ફરજ બજાવે છે. જેમણે 4 લાખનો ભ્રટાચાર કર્યાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. સરકાર દ્વારા સરકારી અધિકારીઓને કે કર્મચારીઓને સરકારી ક્વાટર રહેવા માટે આપવામાં આવતું હોય છે અને જો ભાડાના મકાનમાં રહે તો તેમને ભાડું સરકાર આપતા હોય છે.
મકાન ભથ્થાંની ગેરરીતિ બહાર આવી : 21 જાન્યુઆરીના રોજ વિભાગીય નાયબ નિયામક ડો. એમ.જે.ફેન્સી અને RCHO ડો. એ.કે.સિંહ તપાસમાં હોઈ અને જાણવા મળેલું કે સોનાવાલા હોસ્પિટલના CDMO તરીકે ડો. અલ્કાબેન બળદેવ બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર માધવ પાર્ક સોસાયટીમાં રહે છે. જેને લઈ ત્યાં તપાસમાં જતાં ત્યાં અન્ય લોકો રહેતા હતાં. બાદમાં અને ડો. એમ.જે.ફેન્સી અને RCHO ડો. એ.કે.સિંહ બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે આવી સ્ટાફ પાસેથી માહિતી મેળવી હતી.
આ પણ વાંચો 74 Republic Day in Botad : પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં 297 કરોડથી વધુના વિકાસકાર્યોની હેલી ચડી
રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી : આ બંને અધિ્કારીઓ ડો. એમ.જે.ફેન્સી અને RCHO ડો. એ.કે.સિંહને જાણવા મળ્યું હતું કે CDMO અહીંના સરકારી સ્ટાફ ક્વાટરમાં જ રહે છે. જેને લઈ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. CDMO ડો. અલ્કાબેન બળદેવ દ્વારા જુલાઈ 2019 થી ડિસેમ્બર 2022 સુધી હાઉસ રેન્ટલ એલાઉન્સ પેટે સરકાર પાસેથી અંદાજીત 3 થી 4 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી લીધેલ છે. હાલ ખાતાકીય તપાસ કરનાર અધિકારીઓ દ્વારા નાણાકીય રિકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે આ બાબતે CDMO અલ્કાબેન બળદેવે જણાવેલ કે મારે તાત્કાલિક જવાબ આપવાનો છે પછી તમને સમગ્ર પ્રકરણ અંગે માહિતી આપીશ. આવો જવાબ આપી તેઓ મીડિયાના જવાબોથી દૂર ભાગતા હોવાનું જણાઇ આવ્યું હતું.