ગુજરાત

gujarat

ETV Bharat / state

Republic Day : બોટાદમાં હવે ઘરઆંગણે મળશે મેડિકલ શિક્ષણ, CMએ 5 કરોડ રૂપિયા આપવા કરી જાહેરાત - republic day celebration 2023

બોટાદમાં આવતીકાલે (ગુરૂવારે) 74મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પૂર્વ સંધ્યાએ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બોટાદ જિલ્લામાં 5 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો (republic day celebration 2023) કરવાની જાહેરાત કરી હતી.

Republic Day બોટાદમાં હવે ઘરઆંગણે મળશે મેડિકલ શિક્ષણ, CMએ 5 કરોડ રૂપિયા આપવા કરી જાહેરાત
Republic Day બોટાદમાં હવે ઘરઆંગણે મળશે મેડિકલ શિક્ષણ, CMએ 5 કરોડ રૂપિયા આપવા કરી જાહેરાત

By

Published : Jan 25, 2023, 10:36 PM IST

અમદાવાદ/બોટાદઃરાજ્ય સહિત દેશભરમાં આવતીકાલે 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવશે. ત્યારે આ દિવસની પૂર્વ સંધ્યાએ અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મુખ્યપ્રધાને બોટાદ જિલ્લા માટે જાહેરાત કરી હતી. સરકારે બોટાદના વિકાસ માટે જિલ્લાને 5 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોNight Half Marathon અમદાવાદ પોલીસે યોજી નાઈટ હાફ મેરેથોન, 1 લાખ લોકો જોડાયા

કલેક્ટર અને અધિકારીઓને ફાળવાશે રૂપિયાઃ આ ઉપરાંત 2.5 કરોડ રૂપિયા આ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા નગરોના વિકાસકામો માટે જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવશે. તો ગ્રામ પંચાયતો-ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામો માટે 2.5 કરોડ રૂપિયા જિલ્લા વિકાસ અધિકારીને ફાળવાશે. તે અંતર્ગત બોટાદમાં હવે નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ બનશે. ઉપરાંત બોટાદની નવી વિકાસ યોજના D.Pને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

જિલ્લાના લોકોને ઘર આંગણે મળશે મેડિકલ શિક્ષણઃ આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં લોકોને આધુનિક આરોગ્ય સારવાર સેવા માટે દૂર સુધી જવું ન પડે તેની પૂરતી ચિંતા સરકારે કરી છે. હાલ અહીં 50 બેડની જિલ્લા હોસ્પિટલ કાર્યરત્ છે. આ સાથે નવી હોસ્પિટલ અને નવી મેડિકલ કૉલેજ સ્થાપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અહીં, મેડિકલ કૉલેજ શરૂ થવાથી આગામી દિવસોમાં બોટાદના વિદ્યાર્થીઓને બોટાદમાં જ મેડિકલ એજ્યુકેશન મળશે. આ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજની સ્થાપનાની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

DP અંગે CMએ કરી જાહેરાતઃમુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, રાજ્યના બધા જ નગરોમાં ડેવલપમેન્ટ પ્લાન કરવાની આ સરકારની નેમ છે. આજે બોટાદ શહેર માટે આવા જ રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી હતી. વર્ષ 2031માં બોટાદ નગરની વસતી અને વિકાસની સંભાવના તથા અંદાજો ધ્યાનમાં લઇને આ ડીપીનું આયોજન કરાયું છે. 3,740 હેક્ટરની આ ડીપીમાં આવાસો-મકાનો બાંધવા માટે 2,500 હેક્ટર જમીન, જાહેર હેતુ માટે 330 હેક્ટર જમીન અને ભવિષ્યના ઔદ્યોગિક વિકાસની જરૂરિયાત માટે 127 હેક્ટર જમીન નિયત કરી છે.

રિંગ રોડનું કરાયું સૂચનઃ મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, બોટાદ શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તે માટે અમદાવાદની જેમ જ 40 મીટરનો રિંગરોડ બોટાદ શહેર ફરતે સૂચવાયો છે. આ રિંગ રોડની બંને સાઇડ રેસીડેન્સિયલ ઝોન સૂચવ્યો છે, જેથી રોડની હદથી 200 મીટર વિકસિત ઝોનમાં 4 સુધીની FSI મળશે. નાના અને મધ્યમ વર્ગને પોષાય તેવા દરે મકાનો પણ આનાથી ઉપલબ્ધ થશે.

રાજ્યપાલે બોટાદના કર્યા વખાણઃમહત્વનું છે કે, બોટાદમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્ય સચિવ પંકજકુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, બોટાદની ધરતી કલા, સાહિત્ય અને સંસ્કૃતિની ધરતી છે. સૌરાષ્ટ્રનો હિસ્સો એવું બોટાદ આજે વિકાસની નવી પરિપાટી ઉપર આગળ વધી રહ્યું છે.

ભારતે લાંબી ગુલામી સહન કરવી પડીઃ તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વનો ઇતિહાસ સાક્ષી છે કે, ભારત એક માત્ર એવો દેશ છે કે, જેણે સામેથી કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી. આધ્યાત્મિક સંસ્કૃતિનું જતન કરનાર ભારત આજે ફરી વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું છે. ભારતે હંમેશા ભૂમિ નહીં, પરંતુ આત્મા અને મન જીતવાનો અભિગમ અપનાવ્યો છે. ભારતની લાંબી ગુલામીના મૂળમાં વધુપડતી લક્ષ્મીનો આવિર્ભાવ અને તેને કારણે આવેલાં દૂષણો હતાં. દેશમાં એકતાનું અભાવ હતો, જેને કારણે ગુલામી લાંબી ચાલી હતી. જોકે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને પૂજ્ય ગાંધીબાપુ, સરદાર પટેલ અને ભારતની આઝાદી માટે લડનારા લાખો લોકોના બલિદાનને કારણે ભારત આઝાદ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details