ભાવનગરઃ 20 માર્ચ એટલે વિશ્વ સ્પેરો ડે. ભારતીય ભાષામાં સ્પેરો એટલે ચકલી જે મનુષ્ય જ્યાં જ્યાં ગયો તેની પાછળ પાછળ ગઈ છે. મનુષ્યની પ્રાકૃતિક રહેણીકેણી રહી ત્યાં સુધી ચકલી તેની સાથે જ રહી, પરંતુ હવે ક્રોકીટના જંગલ વધતા ચકલી લુપ્ત થતી જાય છે. અત્યારના સમયમાં મનુષ્યને ચકલીની પાછળ જવાનો સમય આવ્યો છે અને તેનું જતન કરવાની ફરજ પડી છે. જેથી અમે એક એવા વ્યક્તિને મળાવશું જે આજે પોતાના રોજગાર સાથે પશુ પંક્ષીઓનું જતન કરીને પ્રકૃતિને સાચવી રહ્યા છે.
શહેર નહિ ગામડામાંથી પણ લુપ્ત થાય છે ચકલી: રાજુભાઇ ચૌહાણ ચકલીનો ઈતિહાસ
ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) એક પક્ષી છે જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત વિશ્વમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો આફ્રિકાનાં કેટલાંક સ્થાનો અને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં ચકલીઓની 6 પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.
આજે ચકલી નહિ પરંતુ દરેક પ્રકારના પક્ષીઓનું જતન કરતા વ્યક્તિની તમને મુલાકાત કરાવીંએ. ભાવનગરના પીરછલ્લા વિસ્તાર એટલે મુખ્ય બજારમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા રાજુભાઇ ચૌહાણ પક્ષીઓનું જતન કરી રહ્યા છે. રાજુભાઇ કોઈ પણ પક્ષીને ઇજા થાય એટલે તે સ્થળ પર જઈને પક્ષીને લઈ આવે છે અને પોતાના ઘરે તેમજ અન્ય સ્થળ પર પક્ષીનું જતન કરે છે. પક્ષીઓના નાના બચ્ચાઓને ખવડાવવું અને તેને ઇજા હોઈ તો સારવાર કરવાનું કામ પોતાના વ્યવસાય તરીકે કરે છે. એટલે રાજુભાઇ ક્યારેક ચકલીની માતા બને છે તો કયારેક પિતા પક્ષીઓના બનીને તેમનું પાલન કરે છે. રાજુભાઇ પક્ષીઓ સ્વસ્થ બની જાય એટલે તેને મુક્ત ખુલ્લા આકાશમાં કરે છે, પરંતુ કેટલાક પક્ષીઓ આજે ફરી રાજુભાઇ પાસે આવે છે અને પ્રાકૃતિક પક્ષીનો પ્રેમ વરસાવે છે. જેથી ચકલીના લુપ્ત થવાને પગલે રાજુભાઇ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ક્રોકીટના જંગલથી શહેરમાંથી ચકલીઓ લુપ્ત તો થઈ છે પણ ગામડામાં ખેતરોમાં દવાઓના છંટકાવથી જીવાતો મૃત બને છે અને તે ચકલીનો ખોરાક હોવાથી તે આરોગે છે અને મોતને ભેટી રહી છે. પક્ષીના કોલર તરીકે તેમને હાલમાં રાજ્ય પ્રધાન જયેશ રાદડિયાના હસ્તે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
ગત કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપર માર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા મળતા નથી.
આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે. ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે, પરંતુ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા હોતી નથી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.