ભાવનગર શહેરથી ઘોઘા ગામ તરફ જવાના રસ્તા પર અવાણીયા ગામ આવેલું છે. આ અવાણીયા ગામની સિમમાં 50 જેટલા જટ પરિવારના લોકો વસવાટ કરે છે. જે મુખ્યત્વે મૂળ કચ્છના ગણાય છે. જટ સમાજના લોકો કચ્છમાંથી પાણી અને ઘાસચારાના અભાવે વતન છોડી અહીંયા સુધી પહોંચ્યા હતા અને અંદાજે 150 વર્ષ પહેલાં રાજાશાહીના સમયથી જટ પરિવાર અવાણીયા અકવાડા જેવા ગામની સિમમાં સ્થાયી થયા હતા.
આ લોકોને ભાવનગર જિલ્લાના રેશન કાર્ડ, આધાર કાર્ડ જેવા સ્થાયી ડોક્યુમેન્ટ પણ છે અને જ્યારે જ્યારે ચૂંટણી થાય ત્યારે જટ સમાજના 50 પરિવારના લોકો પોતાનો મત પણ આપવા જાય છે. ગામની બહાર આવેલા તળાવના કાંઠે ઘાસના ઝુંપડા બનાવીને વસવાટ કરતા લોકોને લાઈટ કે અન્ય કોઈ સુવિધા તો સરકાર તરફથી મળતી નથી, પરંતુ મુખ્યત્વે પાયાની સુવિધા સમાન પીવાના પાણીની પણ કોઈ સુવિધા સરકાર કે સરકારના પ્રતિનિધિઓ દ્વારા કરાતી નથી.
કચ્છથી આવી વર્ષો પહેલા સ્થાયી થયેલા જટ સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે, પણ હાલ 40 ડિગ્રી ઉપરના તાપમાનમાં વનવગડા જેવા વિસ્તારમાં વસતા આ લોકો માલઢોરને પીવા તો ઠીક પણ લોકોને પોતાને પણ પીવાના પાણીની સમસ્યા છે અને જેના કારણે ગરીબ પરિવારના લોકોને પાણી વેચાતું લાવવું પડે છે.
અવાણીયા ગામની સિમમાં વસતા જટ સમાજની મુશ્કેલી જાણવા જટ સમાજના લોકોને તેમની સમસ્યા વિશે પૂછ્યું તો સમાજના લોકોએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માટે અહીંયા નેતાઓ દોડી આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ‘તું કોણ અને હું કોણ’ જેવી સ્થિતી થતી હોય છે. અવાણીયા ગામના લોકો દ્વારા કૂવામાંથી પાણી ભરવામાં આવે છે પણ તે ખારું હોવાને લીધે પીવા કે ઢોરને પીવડાવવામાં ઉપયોગ નથી આવતું. જેના લીધે રૂ.1500થી 2000 ચૂકવી પાણીના ટાંકા માંગવામાં આવે છે, તો પાણી અંગે યોગ્ય પગલાં ભરી જલ્દીથી જટ સમાજના લોકોને સરકાર દ્વારા પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી.