- ભાવનગર-તળાજા હાઈવે પર ટોલમાંથી બાકાત ગામડાનો પણ ટેક્સ લેવામાં આવી રહ્યો છે
- કલેકટરને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું
- હજુ 17 કિલોમીટરનું પણ કામ બાકી
ટોલમાંથી બાકાત ગામડાનો પણ ટેક્સ લેવાતા કલેકટરને આવેદન અપાયું
ભાવનગરઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે બની રહ્યો છે ત્યારે ટોલ ટેક્સ લેવાનો પ્રારંભ થતાની સાથે વિરોધનો વંટોળ શરુ થઇ ગયો છે. કોબડી ગામથી લઈને તળાજા સુધીના 40 કિલોમીટરના માર્ગ પૂર્ણ નહિ થયો હોવા છતાં ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે. પણ નિયમ પ્રમાણે 20થી 25 કિલોમીટરના ગામડાઓને માટે ટોલ ટેક્સ ફ્રી છે પણ આ નિયમનો ઉલંઘન થવાને કારણે જિલ્લા સરપંચ પત્રકાર પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે
ક્યાં હાઈવે પર ટેક્સ અને કેટલું કામ
ભાવનગર નેશનલ હાઈવે ઓથોરીટી ભાવનગરથી સોમનાથ સુધી નેશનલ હાઈવેનો પ્રોજેક્ટ આપી ચુકી છે. ત્યારે ભાવનગરના કોબદીથી લઈને તળાજા સુધીના 40 કિલોમીટરનો માર્ગ પૂર્ણ થઇ ગયો હોવાનું કહીને કંપની દ્વારા ટોલ ટેક્સ લેવાનો પ્રારંભ કરી દેવામાં આવતા વિરોધ થયો હતો પણ બાદમાં હવે નવો વિરોધ સામે આવ્યો છે. નિયમ પ્રમાણે 20થી 25 કીલીમીટરના ત્રિજ્યામાં આવતા ગામડાઓનો ટોલ ટેક્સ નહી લેવાનો હોવા છતાં લેવામાં આવતો હોવાથી વિરોધ ઉભો થયો છે. ગામ લોકોનું કહેવું છે કે હજુ 17 કિલોમીટરનું પણ કામ બાકી છે અને અધ વચ્ચે રસ્તાઓમાં પણ કામ બાકી હોવા છતાં કેમ ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે.
કોણ આવ્યું મેદાનમાં હાઈવેના ટોલ ટેક્સના પગલે
ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે ઓથોરીટીમાં આવતા સોમનાથ હાઈવેના ટોલ ટેકસનો વિરોધ જિલ્લા સરપંચ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા સરપંચ પરિષદ ભાવનગરના કલેકટરને મળીને રજૂઆત કરી હતી. કે નિયમ પ્રમાણે રાજપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 20 થી 25 કિલોમીટરના વિસ્તારના ત્રિજ્યાના ગામડાઓનો ટેક્સ લેવામાં આવે નહી પરંતુ ટોલ ટેક્સ પર ગુંડા જેવા સામાજિક તત્વો બેસાડીને ટેક્સ સ્થાનિક લોકોનો પણ લેવામાં આવી રહ્યો છે. તેમજ નિયમ પ્રમાણે સર્વિસી રોડ હોવો જોઈએ જે ગામડાઓ માટે હોઈ પણ તે પણ કરવામાં આવ્યો નથી. તેથી નાં છૂટકે ગામડાના લોકોને ટોલ ટેક્સ વાળા રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે.