ભાવનગર : શહેરમાં જિલ્લાની સાથે મોડી રાત્રે માવઠું ચોમાસાની જેમ વરસ્યું હતું. ગાજવીજ સાથે જોરદાર આવેલા વરસાદ શહેરમાં ખેડૂતોની ચિંતા વધારી ગયો છે. યાર્ડમાં એક તરફ ડુંગળીની નવી આવક હોવાથી ઢગલા બંધ ખેડૂતો આવ્યા અને બીજી બાજુ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે.
સવારથી સાંજ વાતાવરણની સ્થિતિ શહેરમાં :ભાવનગર શહેરમાં વહેલી સવારથી સુરજ નારાયણ પણ દર્શન આપી શક્યા ન હતા. ઘેરાયેલા વાદળો વચ્ચે આખો દિવસ પસાર થયા બાદ મોડી સાંજ બાદ વાતાવરણ બદલાયું અને આકાશમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. રાત્રે વરસાદ શરૂ થતાની સાથે જ ગાજવીજને પગલે માવઠાથી પરિસ્થિતિ ચોમાસા જેવી ઊભી થઈ ગઈ હતી. રસ્તાઓ પર પાણી પાણી અને ગલીઓમાં ખાબોચિયા ભરાયા હતા.
યાર્ડમાં પરિસ્થિતિ બેબાકળી બની ગઈ માવઠાથી :ભાવનગર શહેરમાં મોડી રાત્રે 8 કલાક આસપાસ આવેલા ગાજવીજ સાથેના ધોધમાર માવઠાથી યાર્ડમાં ડુંગળી લાવતા ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા હતા. માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ બાદ નવી ડુંગળીની આવક લેવાની શરૂઆત કરી હતી. નવી આવક શરૂ થતાં રસ્તાઓ પર વાહનોમાં ડુંગળી ભરેલી લાઈનોને પગલે યાર્ડની બહાર વાહનોમાં ભરેલી ડુંગળી પલળી ગઈ હતી. જ્યારે યાર્ડમાં પણ રાખવામાં આવેલી કેટલીક ડુંગળી પણ પલળી જવાથી ખેડૂતોને નુકસાન થયુ છે.
માવઠાથી ખેડૂતની ડુંગળીના ભાવ ઘટે :ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રોજની 80,000 જેટલી ડુંગળીની ગુણીની આવક રહી છે. ત્યારે તળાજાના ઠળિયાથી ડુંગળી લઈને આવેલા પ્રકાશભાઈ ખેડૂતે જણાવ્યું હતું કે, સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે તેઓ ઠળિયાથી 100 કિલોમીટર ભાવનગરમાં ભાવ સારા મળતા હોવાને કારણે આવ્યા છે. રસ્તામાં પણ માવઠું વિરોધ રૂપ બન્યું હતું. જ્યારે ભાવનગર પહોંચતા માવઠું થયું હતું અને ભાવનગર યાર્ડમાં ડુંગળીના કેટલીક પલળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ડુંગળી પલળી જવાને કારણે ઊગી નીકળે છે. તેનો ભાવ 50 ટકા ઘટી જાય છે.