આ કોઈ સરકારી સંગઠન કે, સરકારી પ્રોજેક્ટ નથી. પરંતુ, ભાવનગરના વિકાસશીલ યુવાનોએ માત્ર નિજાનંદ માટે ભાઈબંધ પાઠશાળા ચલાવે છે. આ શાળાનું સંચાલન ડો. ઓમ ત્રિવેદી દ્વારા કરવામાં આવે છે. ભાવનગરમાં સામાજિક ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર અને એમ.કે.બી યુનિવર્સિટીમાં કાર્યરત ઓમ ત્રિવેદી વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ન રહે તે માટે ધોરણ 10 અને 12ના બાળકો માટે 'તમારો ભાઈબંધ'ના નામથી દસ હજાર પુસ્તકો વિનામૂલ્યે વિતરણ કરે છે.
ડો. ઓમ ત્રિવેદી એક સાંજે ભાવનગરની મુખ્ય બજારમાં મિત્રો સાથે ફરતા હતાં, ત્યારે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલી નાની વયની બાળા સાથેની મુલાકાત બાદ તેમના મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા કે, અક્ષરજ્ઞાન નહીં ધરાવતી આ બાળાને ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેથી આવા તક વંચિત બાળકો માટે કંઈક કરવું જોઈએ. આવા બાળકોના માતા પિતા મોટાભાગે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે અને બાળકોને આખો દિવસ છૂટક કામ માટે અથવા ભિક્ષાવૃત્તિ સાથે સાંકળવામાં આવે છે. બાળકો માટે મજબૂરી હોય છે.