બજારમાંથી ટમેટાનું ગાયબ થવાનુ કારણ અને ઊંચા ભાવનું ગણિત ભાવનગર :સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસામાં શાકભાજી મોંઘુ જોવા મળે છે. ત્યારે ભાવનગરમાં ચોમાસાના પ્રારંભે જ ટામેટાએ સદી વટાવી છે. ટામેટાની કિંમતને પગલે ગૃહિણીઓનું ઘરનું બજેટ વિખેરાઇ ગયું છે. ટમેટાના વિકલ્પોમાં પણ મોંઘવારી નડી રહી હોવાનું ગૃહિણીઓ જણાવી રહી છે. ટમેટા મોંઘા થવા પાછળનું કારણ શું છે ?, કેમ અચાનક ભાવમાં આટલા ફેરફાર થાય છે ? આ સવાલો તમારા મનમાં પણ થયા જ હશે. તો આગળ મળશે તમારા દરેક પ્રશ્નોના જવાબ
અઠવાડિયામાં ભાવ ડબલ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં એક કિલો ટમેટાના ભાવ રૂ.40 થી રૂ.60 આસપાસ હતા. આ ટામેટા ગુજરાતના સ્થાનિક ખેડુતોના હતા. તેનું ઉત્પાદન ઘટવાથી બજારમાં આવક બંધ થઇ ગઈ છે. જેના પગલે વેપારીઓને બહારના રાજ્યમાંથી ટામેટા મંગાવવાની ફરજ ઊભી થઈ છે. જથ્થાબંધ ટામેટાના વેપારી અન્ય રાજ્યમાંથી ટમેટા મંગાવતા હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપે ભાવનગરમાં ટામેટા એક અઠવાડિયામાં સદી પાર કરી ચૂક્યા છે.
આ ટમેટાના ભાવ એક અઠવાડિયામાં 100 થઈ ગયા છે. હવે દાળ-શાકમાં સ્વાદ માટે શું નાખવું. ટામેટાની જગ્યાએ આંબલી અથવા લીંબુ પણ ઉપયોગ કરી શકાય તેમ નથી. કારણ કે, તેનો સ્વાદ ભાવે નહીં અને બીમાર થવાની શક્યતા વધી જાય છે. અચાનક ટમેટાના ભાવ આટલા બધા કેમ વધી ગયા છે. સરકારે આ અંગે કંઈક કરવું જોઈએ.-- શારદાબેન પંડિત (ગૃહિણી,ભાવનગર)
ગૃહિણીઓનું બજેટ વિખેરાયું : ગૃહિણીઓ રોજબરોજ રસોઈમાં શાક અને દાળને સ્વાદિષ્ટ કરવા ટમેટાનો ઉપયોગ કરે છે. ટમેટા ન નાખે તો સ્વાદ ફરી જાય છે. ત્યારે ટમેટાના એક જ અઠવાડિયામાં વધેલા ભાવને કારણે ગૃહિણીઓના બજેટ પર ફટકો પડ્યો છે. ટામેટાની જગ્યાએ હવે લીંબુ અને આમલીનો ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ છે. ટામેટાની જગ્યાએ લીંબુ અથવા આમલીનો ઉપયોગ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. સરકારે વધતા ભાવને પગલે કંઈક કરવું જોઈએ ગૃહિણીઓ તેવું માની રહી છે.
માર્કેટીંગ યાર્ડમાં ટમેટાના ભાવ છેલ્લા અઠવાડિયામાં 40 થી 50 રૂપિયા હતા. જે અઠવાડિયા દરમિયાન 80 થી 100 સુધી પહોંચી ગયા છે. તેની પાછળનું કારણ ઉત્પાદન અને આવક છે. ગુજરાતના જે ટમેટા હતા તેનું ઉત્પાદન ઘટ્યું છે અને આવક પણ બંધ થઈ ગઈ છે. આથી બહારના રાજ્યો જેમ કે નાસિક, અમરા, કોલા અને બેંગલોરમાંથી ટમેટા મંગાવવા પડે છે. બીજા રાજ્યના ખેડૂતો ટમેટાની અછત ઊભી થાય એટલે એક થઈ જાય છે અને ભાવ વધી જાય છે. આથી ભાવનગરમાં ભાવ વધી જાય છે.--સિદ્ધરાજસિંહ ગોહિલ (જથ્થાબંધ વ્યાપારી,ભાવનગર)
વેપારીઓ માટે જોખમ :ભાવનગર શહેરમાં આવેલી કોઈપણ શાક માર્કેટમાં પહોંચો એટલે ટામેટા તમને જોવા મળશે નહીં. બજારમાં ઓછી માત્રામાં જોવા મળતા ટામેટા જોવા પણ મળે તો તેને ખરીદનાર જોવા માંગશે નહીં. કારણ કે એક જ અઠવાડિયામાં ભાવ 40 થી 100 સુધી પહોંચ્યા ખરીદી ઓછી થઈ ગઈ છે. ગૃહિણીઓના મુખે કકળાટ છે. ત્યારે જથ્થાબંધ વ્યાપારીઓ મજબૂરીને કારણે અન્ય રાજ્યમાંથી ટામેટા લાવ્યા બાદ પણ તેમાં 50 નુકસાન સામે આવતા હોવાનું જણાવી રહ્યા છે. કારણ કે બહારના રાજ્યમાંથી આવતો ટામેટાનો જથ્થો બગડી જવાની શક્યતા વધારે રહે છે.
- ડાંગના શિવારીમાળના ઘાટમાર્ગમાં ટમેટા ભરેલા ટ્રકની પલટી
- Bhavnagar News : ભાવનગરમાં 1 લાખ વૃક્ષોના રોપાઓનું મફતમાં વિતરણ, રોપા લેવા જનાર માટે રખાઇ શરત