આનંદો ! ટમેટા લાલ સિગ્નલમાંથી નીકળ્યા, ગૃહિણીઓની મુસ્કાન પાછી આવી ભાવનગર :લાલ ટામેટા હવે લાલ સિગ્નલમાંથી ઓરેન્જ સિગ્નલમાં આવ્યા છે. અત્યાર સુધી મહિલાઓ ટામેટા લીલા સિગ્નલમાં આવે તેની રાહ જોતી હતી. અહીંયા વાત છે ટમેટાના ભાવની. ટામેટા વગર સબ્જીનો સ્વાદ લેતા પરિવારો માટે સારા સમાચાર છે. 2 ની સીરિઝમાંથી હવે ટામેટા ફરી 1 ની સિરીઝમાં આવ્યા છે. જોકે, ટમેટાના ભાવમાં ઘટાડો તો આવ્યો પરંતુ ગૃહિણીઓની અપેક્ષા હજુ પણ વધુ ઘટાડાની છે. ત્યારે શું છે સમગ્ર રાજ્યમાં ટામેટાની બજારની સ્થિતિ ચાલો જાણીએ...
મિઠાશ પાછી આવી : દાળ અને શાક ટામેટા ન હોય તો સ્વાદ ફિક્કો આવે છે. મહિલાઓ તો આજદિન સુધી 200 રૂપિયા કિલો ભાવ હોવાથી એક-બે ટામેટાની ખરીદી કરતા હતા. પરંતુ હવે ટામેટાના ભાવ 200 ની સિરીઝમાંથી નીકળી 100 ની સિરીઝમાં આવ્યા છે. એટલે કે 220 ના કિલો ટમેટા હવે 120 થી લઈને 160 સુધીમાં વહેંચાઈ રહ્યા છે. જોકે, આ ભાવ સમગ્ર ગુજરાત રાજ્યનો છે. અલગ-અલગ શહેરોમાં ટામેટાના ભાવ સામે આવ્યા છે.
હજુ પણ ભાવ થોડા ઓછા થવા જોઈએ. હજુ પણ ટામેટા ખરીદવામાં થોડી તકલીફ પડે છે. ઘરે જેન્ટ્સ ટામેટાને બદલે ટામેટાના સોસનો ઉપયોગ કરવા માટે કહે છે. માટે હજી થોડા ભાવ ઘટી જાય તો વધુ સારું.-- ગીતાબેન (ગૃહિણી, ભાવનગર)
સાર્વત્રિક ભાવ ઘટાડો : ટામેટા છેલ્લા અઠવાડિયા કરતા વધુ સમયથી 220 ના કિલો વહેંચાતા હતા. ત્યારે ગૃહિણીઓમાં રોષ જરૂર જોવા મળતો હતો. પરંતુ છેલ્લા બે દિવસમાં અચાનક ટમેટાના ભાવમાં ઘટાડો આવ્યો છે. ત્યારે અહીંયા રાજ્યની મહાનગરપાલિકામાં અલગ અલગ ભાવ છે. જેમાં અમદાવાદમાં રિટેલ ભાવ 140 રૂપિયા કિલો છે. જ્યારે સુરતમાં 120 થી 150 રૂપિયા કિલો ટામેટાનો ભાવ રહ્યો છે. વડોદરામાં સયાજીપુરા APMCમાં 40 થી 60 રૂપિયા ભાવ છે, જ્યારે છૂટક 80 થી 100 રૂપિયા ભાવ છે. રાજકોટમાં ટામેટા હોલસેલ જથ્થાબંધનો ભાવ રુ. 80 થી 100 છે. વાત કરીએ ભુજની તો ભુજમાં 70 થી 90 રૂપિયા જથ્થાબંધ ભાવ અને છૂટકના 140 થી 160 રૂપિયા છે. આમ ભાવનગરમાં પણ છૂટકના રુ. 120 થી 160 છે. ઉપરાંત જથ્થાબંધમાં રુ. 90 થી 100 વચ્ચે ટમેટા વહેંચાઈ રહ્યા છે. સરવાળે ગુજરાતમાં ટામેટાની બજાર નીચી આવી છે.
ભાવ વધારો શા માટે ? સમગ્ર રાજ્યમાં ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. રસોડામાંથી પણ ટામેટા ગુમ થઈ ગયા હતા. જોકે, તેની પાછળનું કારણ ટામેટાનું ઉત્પાદન છે. ચોમાસામાં પડેલા વરસાદને કારણે ખેતીમાં ટામેટાનું ઉત્પાદન ગુજરાતમાં નહિવત બની ગયું હતું. ત્યારે બાહ્ય રાજ્યમાંથી ટામેટા મંગાવવા પડતા હતા. જેમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને અન્ય રાજ્યમાં ટામેટાના ભાવ વધુ લેવામાં આવતો હતો. આથી સ્થાનિક ટામેટાઓના વ્યાપારીને ગુજરાત રાજ્યમાં ટામેટાઓ મોંઘા વેચવાનો વારો આવ્યો હતો.
હજુ પણ ભાવ ઘટશે ?હવે ટામેટા અચાનક બજારમાં આવવા લાગ્યા છે. જોકે, ગુજરાતમાં ઘણા દિવસોથી થોભેલા વરસાદ બાદ શાકભાજીમાં પાકોનું ઉત્પાદન શરૂ થતાં બજાર ઘટી છે. માત્ર ટામેટા નહિ પરંતુ અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેને પગલે ગૃહિણીઓના ચહેરા ઉપર ફરી મુસ્કાન આવી છે. પરંતુ હજુ પણ ગૃહિણીઓ ટમેટાના મૂળ ભાવ 20 થી 50 રૂપિયા કિલો થાય તેની રાહમાં છે.
- Tomato Price : ટામેટા થઈ રહ્યા છે રાતાચોળ, શાકમાર્કેટમાં ઐતિહાસિક ભાવ 2,555 ક્રેટ દીઠ
- Tomato Prices : ઓહ માય ગોડ! લોકો સ્વાદ પુરતો જ ગરમાગરમ ટામેટાં ભજીયાનો આપે છે ઓર્ડર