ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર જમીન સાડા ચાર લાખ હેક્ટર છે. પરંતુ, ગરીબોની કહેવાતી કસ્તુરીનું વાવેતર ચોમાસાના અંત બાદ શિયાળાના પ્રારંભ થતું હોઈ છે, એટલે કે દિવાળી પર ડુંગળીના બિયારણ સોપવામાં આવે છે. પરંતુ, મેઘરાજાની ચોમાસાની સવારી જોરદાર રહેતા જિલ્લામાં અતિવૃષ્ટિ સર્જાઈ છે, તો બાકીના પાછળના દિવસોમાં 'મહા' વાવાઝોડાને પગલે ડુંગળીના બિયારણ સોપ્યા બાદ બળી જવાથી ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યું છે. ખેડૂતોએ હજારો ખર્ચીને બિયારણ એક નહી બે ત્રણ વખત સોપવા છતાં કમોસમી વરસાદે તેને ફેલ કરી દેતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ખેડૂતોને ચોમાસાનો પાક પણ બળી ગયો છે અને હવે બાકી રહેતા ડુંગળીના વાવેતર સમયે પણ કમોસમી વરસાદે બિયારણ બગાડીને ખેડૂતને આર્થિક સંકડામણમાં મુક્યા છે. જેથી હવે સરકાર આગળ આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના પુણે પછીનો દેશનો બીજા નંબરનો જિલ્લો છે, કે જ્યાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે, જો કે કમોસમી વરસાદને પગલે બિયારણ ફેલ જતા હવે ઉત્પાદન પર સીધી અસર થવાની છે. એટલે કે ડુંગળી આગામી દિવસોમાં મોંઘી બની જશે જો કે કમોસમી વરસાદને પગલે થયેલા નુકશાનને કારણે કોંગ્રેસ નેતા મેદાનમાં આવ્યા છે. ઘોઘા પંથકના તાલુકા પંચાયત પ્રમુખે માગ કરી છે કે સરકારે ખાસ ડુંગળીના ખેડૂતો માટે પેકેજ જાહેર કરવું જોઈએ. આમ, તો દરેક ખેડૂતના પાક બળી ગયા હોવાથી ખેડૂત માટે મોટું પેકેજ જાહેર કરે.