ભાવનગર: ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. તેમ છતાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગરના મહુવા યાર્ડમાં હજારો ગુણી ડુંગળી પલળી ગઈ - News of gujarat
એક તરફ જ્યાં સમગ્ર ગુજરાતમાં 'નિસર્ગ' વાવાઝોડાના પગલે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે મહેનત કરીને ધાન પેદા કરતા જગતના તાત માટે એક પછી એક મુશ્કેલીઓમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. પહેલા લોકડાઉન અને હવે વરસાદી માહોલના પગલે ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલું અનાજ યોગ્ય કાળજીના અભાવે માર્કેટ યાર્ડમાં પલળી રહ્યું છે.
ગુરુવારે ભાવનગરના મહુવા, તળાજા પંથકમાં વરસાદને કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહેલી ડુંગળીની હજારો ગુણી વરસાદમાં પલળી જવા પામી હતી.
વરસાદને લઈ યાર્ડમાં પાણી પણ ભરાયા હતા. જેથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. પહેલા લોકડાઉનના પગલે માર્કેટ યાર્ડમાં ઉત્પાદન વેચવા બાબતે ખેડૂતોને જરૂરી ભાવ ન મળતાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હવે વરસાદના કારણે માર્કેટયાર્ડમાં યોગ્ય કાળજીના અભાવે પેદાશોને નુકસાન થઈ રહ્યું છે. આમ ખેડૂતો તથા વેપારીઓને બેવડું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.