ભાવનગર-અલંગ રોડ પર બુંધેલ નજીક બુધવારના રોજ અલંગના અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ માંગુકિયા તેમજ અન્ય શિપબ્રેકરો સાથે કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે બુધેલના સરપંચ ભવાનીસિંહ તેમજ દાનસંગ મોરી સહિતનાઓ હુમલો કરી માર મારવાની ઘટના બની હતી. આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી અને ભોગબનાનાર ઉદ્યોગપતિઓ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને કલેકટરને આ બાબતે રોષભેર રજૂઆત કરી હતી.
અલંગ ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનાને લઇ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું આ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ , સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, તથા ચેમ્બરની સાથે સંકળાયેલી ૫૮ જેટલી નાની મોટી સંસ્થાઓ આ બંધ એલાનમાં જોડાઈ હતી અને ગુરૂવારના રોજ બંધ રાખ્યુ હતું. તમામ સંસ્થાઓના પ્રતિનિધિ, આગેવાનો, વેપારીઓ તેમજ શિપબ્રેકરો મોટી સંખ્યામાં ભાવનગર ખાતે આવેલ શિપ બ્રેકીંગ એસોસીએશનની ઓફિસે એકઠા થઈ બેનરો, પોસ્ટરો સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજી હતી.
આ રેલીમાં સંખ્યાબળ દેખાડવા માટે અલંગ ખાતેથી મોટી સંખ્યામાં મજુરોને પણ લાવવામાં આવ્યા હતાં. આ વિશાળ રેલી કલેકટર કચેરીએ જઈ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે કલેકટર કચેરી નજીક રોડ ચક્કાજામ કરી દેવાયો હતો. તેમજ કેટલાક બિલ્ડર અગ્રણીઓએ રોડ પર સુઈ જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને અસામાજિક તત્વો સામે તાકીદે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ તત્વો બુધેલ અને આજુ-બાજુના વિસ્તારોમાં ગુંડાગીરી કરી નાનામોટા ઉદ્યોગકારોને હેરાન કરી રહ્યા છે. દાનસંગ મોરી સામે આ પહેલા પણ અનેક કેસો થયા હોવા છતાં આજે બિન્દાસ્ત ફરી રહ્યા છે જેવી ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી.
કલેકટરે પણ તેમની રજુઆતો ધ્યાને લઈને તેમની સામે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તે કરશે તેવી બાહેંધરી આપી હતી. આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને પોલીસ દ્વારા તાકીદે દાનસંગ મોરી સહિતના જે ઇસમો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ કેસની તપાસ માટે ભાવનગર રેંજ IG દ્વારા SRTની રચના કરવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભાવનગરના DYSP કરશે. તેમજ આ ટીમમાં વરતેજ PSI, LCB, PI તેમજ અન્ય બે PI રહેશે અને તાકીદે આરોપીને ઝડપી લેવાના તમામ પગલા પણ લેવામાં આવ્યા છે. આ કેસમાં બે ઇસમની ધરપકડ પણ કરી હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ જ દાનસંગ મોરી અને જીતુભાઈ વાઘાણીને છેલ્લા ઘણા વર્ષોથી ખટરાગ ચાલી રહ્યો છે અને જીતુભાઈ વાઘાણી વિરુદ્ધ અનેકવાર રાજપૂત સમાજને એકઠા કરી અને મોરચો માંડ્યો હતો, જો એક ચુંટણી સમયે દાનસંગ મોરી પરના બધા કેસ પરત ખેચી લેવાની બાહેંધરી બાદ અમિત શાહની હાજરીમાં સમાધાન થયું હતું અને ત્યારબાદ કેસો પરત નહિ ખેચાતા ફરી બુધેલ ખાતે રાજપૂત સમાજનું સંમેલન મળતા ફરી વિવાદ સળગ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના બાદ હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.