- હત્યાના બનાવની અસરે હજારોનો ચાલવાનો રસ્તો બંધ
- સ્થાનિક લોકોએ મચાવ્યો હોબાળો
- મામલો સાંસદ સુધી પહોંચ્યો
ભાવનગરઃ ભાવનગરમાં હત્યાના બનાવને પગલે રેલવેએ હત્યાના ઘટનાસ્થળ પાસે પોતાની જમીન શરુ થતી હોવાથી રસ્તો બંધ કરવાનો નિર્ણય કરતા હોબાળો મચ્યો હતો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ દોડી ગયા હતાં. અંતે મામલો સાંસદ સુધી પહોંચ્યો અને કામગીરી બંધ રખાવી હતી. પણ પ્રશ્ન એક જ છે કે જગ્યા રેલવેની છે તો શું રસ્તો ખુલ્લો રહેશે.
રસ્તો ક્યાંથી કોની હદમાં
ભાવનગરના સ્નેહમિલન સોસાયટીમાં જવા માટે લાલટાંકીથી રેલવેની જગ્યામાં થઈને પાછળ અડધો કિલોમીટરનો રસ્તો સ્નેહમિલન સોસાયટીમાં અવાય છે, ત્યારે રેલવેએ પાછળની સ્નેહમિલન શરૂ થાય તે પોતાની જગ્યાને દીવાલ કરવા માટે પાયો ખોદીને કામ શરૂ કરતાં સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો.
ભાવનગરમાં રેલવે પોતાની હદમાં આવતા રસ્તે કામગીરી શરૂ કરતા ચાલવાનો રસ્તો બંધ, ભાવનગરની સ્નેહમિલન સોસાયટી સહિત અક્ષરપાર્કમાં અને પાછળ કુંભારવાડામાં જવા માટે રેલવેની જગ્યામાં થઈને જવાથી અંતર ઘટી જાય છે. હોબાળો થતા કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી અને ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર અશોક બારૈયા સહિતની ટિમ મેદાનમાં ઉતરી ગઈ હતી અને ડીઆરએમ સુધી રજૂઆત કરી હતી.
રસ્તો બંધ થવાથી શું અસર થશે ભાવનગરનો આ રસ્તો રેલવેમાંથી આવે છે પણ હજારો રત્નકલાકારો સ્નેહમિલન સહિત અક્ષરપાર્ક સહિત આસપાસના વિસ્તારમાં વસવાટ કરે છે. રસ્તો બંધ થવાથી લોકોને ફરીને ઘરે જવાની ફરજ પડતા આશરે 1 લાખ લોકોને અસર થવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે અધિકારીઓ સામે આક્ષેપ કર્યા હતા કે દરેક ઊંચ અધિકારી આઉટ ઓફ સીટી છે, ત્યારે જો કામ બંધ નહીં કરે તો એક પણ ટ્રેન ઉપડવા નહિ દે તેવી ચીમકી ત્યારે ઉચ્ચારી છે જ્યારે ટ્રેનો બંધ છે.
રસ્તાનો મામલો સાંસદ સુધી કેમ પહોંચ્યો
રસ્તો બંધ થવાને કારણે અંતે મામલો સાંસદ ભારતીબેન શિયાળ સુધી પહોંચ્યો હતો. સાંસદએ ડીઆરએમ સાથે વાતચીત કરીને કામગીરી બંધ રખાવી છે પરંતુ ખોદેલા પાયાના કારણે હાલમાં લોકોને ચાલવાનું અને પાયા હોવાથી વાહન લઈ જવાનું તો બંધ થયું છે તેવામાં કામગીરી બંધ રહે કે ના રહે પણ ચાલવાની અને વાહન ચાલવાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તો રસ્તો બંધ સમાન છે. જો કે સાંસદે પણ ઢીલાશથી કહ્યું હતું કે ઘટના ઘટી ગઈ છે અને માર્ગની જમીન રેલવેની છે એટલે હાલ વૈકલ્પિક કામ બંધ રખાવ્યું છે, પણ રેલવેની જમીન છે એટલે તેઓ બંધ કરી શકે છે.