જુઓ આ ખાસ અહેવાલ અને ઘરે જ બનાવો "જાદરિયું" ભાવનગર : મીઠાઈ એટલે ભોજન પરનો ગળ્યો સ્વાદ જે સૌ કોઈને મોહિત કરે છે. યુવાન પેઢી હાલમાં બનતી વિવિધ વાનગીથી વાકેફ હશે. પરંતુ ભાલ પંથકના ભાવનગરમાં પેઢી દર પેઢી ચાલ્યા આવતા જાદરિયાથી વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. ત્યારે ETV BHARAT ખાસ આપના માટે ગુજરાતના ઘરે ઘરમાં જાદરિયું બનાવવાની રેસીપી રજૂ કરે છે. ચાલો જાણીએ.
ભાલ પંથક :ભાવનગર જિલ્લાની દરિયાઈ પટ્ટી અને અમદાવાદ જિલ્લાના ધોલેરા સુધીનો વિસ્તાર ભાલ પંથક તરીકે ઓળખાય છે. ભાલ દરિયાઈ પટ્ટી વાળો વિસ્તાર હોવાથી ખારો પ્રદેશ છે. આ ખારા પ્રદેશમાં ભાલના છાસીયા ઘઉંની ખેતી કરવામાં આવે છે. ઓછા પાણીમાં થતા છાસીયા ઘઉં શરુઆતમાં લીલા હોય છે જેને પોંક કહેવામાં આવે છે.
શું છે "જાદરિયું" ? છાસીયા ઘઉં જ્યારે લીલા હોય ત્યારે તેમાંથી જાદરિયું બનાવવામાં આવે છે. લીલા ઘઉંમાંથી જાદરિયું બનાવવાની પરંપરા 100 વર્ષ કરતાં જૂના સમયથી છે. જાદરિયું એક મીઠાઈના પ્રકારની વાનગી છે. ખાસ આ વાનગી સાતમ આઠમના તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે. લીલા ઘઉંના પોકમાંથી બનતી આ વાનગી સ્વાદિષ્ટ હોય છે. તહેવારમાં ભાલ પંથકમાં આજે પણ જાદરિયું બનાવવામાં આવે છે. ભાલ પંથકનો યુવાન જાદરિયાથી વાકેફ હોય છે.
આ વર્ષો જૂની વાનગી છે. શેકેલા ઘઉંમાંથી આ મીઠાઈ બનાવવામાં આવે છે. લીલા ઘઉં હોય તેને દળ્યા બાદમાં તેને બનાવવામાં આવે છે. ભાલ પંથકની આ વાનગી છે અને સાતમના તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે. ભાલ પંથકમાં અને નવા વર્ષમાં ભગવાનને અન્નકૂટ તરીકે પણ જાદરિયું ધરાવવામાં આવે છે.-- જયશ્રીબા ગોહિલ (ગૃહિણી, ભાવનગર)
ભાલ પંથકનું જાદુઈ "જાદરિયું" જાદરિયું બનાવવાની સામગ્રી: લીલા ઘઉંના પોકનો દળેલો લોટ, ખાંડ - 0||| વાટકી, પાણી - ખાંડ ડૂબે એટલું (આશરે અડધી વાટકી), ચોખ્ખું ઘી - 1 વાટકી.
જાદરિયું બનાવવાની રીત :ગેસ ઉપર તવી મૂકીને એક વાટકી ઘી નાખી તેમાં એક વાટકી ખાંડનો લોટ નાખીને શેકી લેવું. પોક શેકેલો હોય એટલે વધુ શેકવાની જરૂર રહેતી નથી. લોટ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લેવામાં આવે છે. તવીમાં પોણી વાટકી ખાંડ લેવી. ખાંડ ડૂબે એટલું પાણી નાખીને સવા ચમચી તારી કે પોણા બે તારી ચાસણી બનાવી. ગેસ બંધ કરીને લોટ નાખી દેવો, પછી હલાવી લેવું અને મિક્સ કરી લેવું.ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવીને તેના પર જાદરિયું ઠારી લેવું. તેના ભાગ પાડી દેવા અને ઠંડું થાય એટલે સર્વ કરવું.
- હોમમેઇડ જલેબી સાથે તમારી બાળપણની યાદોને વાગોળો
- આ મિક્સ ફળના રસથી તમારી ઇમ્યુનિટીને વધારો