ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર-ગોરીયાળી ગામે અઢી મહિના પહેલા બે સગા પિતરાઈ બાળકોના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. જે સંદર્ભે આ બાળકોની મિલ્કત માટે હત્યા કરવામાં આવી હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
ઘોઘા તાલુકાના ગામમાં મિલ્કત માટે દંપતીએ કરી બે બાળકોની હત્યા - Bhavnagar children killed for property
રામપર ગોરીયાળી ગામે ભત્રીજાને સગા કાકા-કાકીએ કૂવામાં ડૂબાડી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘોઘા પોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેના રિપોર્ટના આધારે જાણી શકાશે કે મૃત્યુનું સાચું કારણ શું હતું.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર-ગોરીયાળી ગામે રહેતા અને ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા અશ્ચિન તેજાભાઈ જાંબુચા અને તેનો ભાઈ તુલસી સાથે રહેતા હતા. અશ્ચિનના કાકા લક્ષ્મણ મોહન જાંબુચા તથા તેની પત્ની કમુ ફરિયાદી અશ્ચિનના ઘરે આવેલા અને અશ્ચિનના પુત્ર પ્રદિપ તથા તુલસીભાઈના પુત્ર વિવેકને નાસ્તો અપાવવાના બહાને ગામમાં લઈ ગયા હતા. ત્યાર બાદ આ બંને બાળકો ગુમ થયા હતાં. મોડી રાત સુધી બાળકો પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહતો. બીજે દિવસે બંને ગુમ બાળકોનો મૃતદેહ આજ પરિવારના કૂવામાંથી મળી આવ્યો હતો. ઘોઘા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
જેમાં પ્રથમ દષ્ટિએ બાળકો રમતા રમતા અકસ્માતે કૂવામાં પડી ગયાં હોવાનું અનુમાન લગાવી સમાજના રિવાજ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી. પરંતુ અઢી માસ બાદ સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો અને આ ઘટના આકસ્મિક મોતની નહીં પરંતુ ઈરાદા પૂર્વકની હત્યા હોવાનું જાણવા મળ્યું હતુ.