ભાવનગર :ઉનાળાની સીઝન શરૂ થતાં લોકો ઠંડા પીણા તરફ વધુ વળતા જોવા મળે છે. ઉપરાંત ઉનાળાના પ્રારંભમાં લોકોને ડિહાઇડ્રેશન અને લુ લાગવા જેવી તેમજ અનેક સમસ્યાઓ ઉભી થાય છે. ત્યારે આ સમસ્યાઓ પાછળનું કારણ કદાચ તમને ખ્યાલ નહિ હોય. ત્યારે અમે તમને જણાવીશું કે, આ સમસ્યાઓ દૂર કેવી રીતે થાય છે. ETV BHARAT એ તબીબના માર્ગદર્શન લઈને અહેવાલ પ્રસ્તુત કર્યા છે. ત્યારે જાણો ઉનાળામાં શુ આરોગવું જોઈએ.
ઉનાળામાં ઉભી થતી સમસ્યાઓ કઈ કઈ જાણો :ઉનાળો શરૂ થતાની સાથે સૂર્યનારાયણ તપાવાની શરૂઆત કરે છે. ઘરની બહાર નીકળતા લુ લાગે છે અને શરીરને દઝાડે છે. આવા સમયમાં શરીરની કાળજી લેવી ખૂબ જરૂરી બની જાય છે. પરંતુ ગરમી અને તાપને કારણે શરીરને અનેક તકલીફો ઊભી થાય છે. જેવી કે ડિહાઇડ્રેશન થવું, લુ લાગવી તેના કારણે શરીરમાં રહેલા પાણીના તત્વ ઘટવા લાગે છે. વિટામિન સી અને વિટામિન ડીની ઉણપને પગે ચક્કર આવવા તેમજ ચામડીમાં વિવિધ પ્રકારની તકલીફો ઉભી થાય છે, તેમ ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું.
ઉનાળામાં કયા ફળો ખાવા જરૂરી બની જાય :ઉનાળાની શરૂઆતમાં કેટલાક ફળો બજારમાં આવવા લાગે છે. ગરમી પડતા કેટલાક લોકો સ્વયંભૂ તેવા ફળો આરોગતા પણ હોય છે. ત્યારે ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે, કુદરતે ખૂબ સારી એવી રચના કરેલી છે. જે પ્રમાણે ઋતુ હોય તે પ્રમાણે ફળો આવે છે. હાલ ગરમીની સિઝન શરૂ થતાની સાથે બજારમાં તરબૂચ, દ્રાક્ષ, દાડમ, કેરી જેવા રસવાળા ફળો આવવાની શરૂઆત થઈ જાય છે. જે સીધો ઇશારો કરે છે કે ઉનાળામાં વિટામિન સી અને ડીની જરૂરિયાત હોવાથી રસવાળા ફ્રુળો આરોગવા જોઈએ. આજે ઉનાળામાં બને ત્યાં સુધી વધુ પાણી પીવું અને રસવાળા ફળો લેવામાં આવે તો ગરમીથી બચી શકાય છે.