ભાવનગર : જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે 15 જૂન આજુબાજુ ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે નિસર્ગ વાવાઝોડાને પગલે ૩ જૂનથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસોમાં ભાવનગર શહેર, ગ્રામ્ય, તળાજા, મહુવા, વલ્લભીપુર પંથકમાં વાવણી લાયક વરસાદ વરસી જતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.
જિલ્લાના લગભગ મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. આ વર્ષે જે પ્રકારે ચોમાસાની શરૂઆત થઇ છે તેના પરથી ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે કે આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહેશે અને સમયસર વરસાદ પણ વરસશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે. આજે પણ અનેક ખેડૂતો હજુ પણ પોતાના વડીલોની માફક પરંપરાગત રીતે હળ સાથે બળદો જોડી અને વાવણી કરે છે. વરસાદ બાદ 1 કલાક બાદ બળદો દ્વારા વાવણી કરી શકાય છે. જ્યારે ટ્રેકટર દ્વારા તે શક્ય નથી.