ભાવનગરઃ લોકડાઉન પાર્ટ-3 વચ્ચે અલંગ યાર્ડ ખાતે ચાલુ કરવામાં આવેલી કામગીરી દરમિયાન હાલ નવા માત્ર 4 ઇન્ડિયન જહાજોમાં બીચીંગ કટિંગ કરી કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જો સરકાર દ્વારા અલંગ શિપ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા જહાજ ખરીદી પર નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં નહીં આવે, તો શિપ બ્રેકરોને મોટી આર્થિક નુકસાની ભોગવવાની સંભાવના છે.
નવી શિપ ખરીદી માટે સરકારની નવી ગાઈડ લાઈનની રાહ જોતા શિપ બ્રેકર્સ ભાવનગર જિલ્લાનું અલંગ શિપ યાર્ડ હાલ લોકડાઉન દરમિયાન મહામુશ્કેલી વચ્ચે શીપ કટિંગની કામગીરી કરી રહ્યું છે. લોકડાઉન સમય દરમિયાન અલંગ ખાતે 20 એપ્રિલના રોજ મંજૂરી મળતાં કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં માત્ર 4 જહાજોનું જ બીચીંગ કટિંગ કરવામાં આવી રહ્યું છે.
સરકારની ગાઈડ લાઈન અનુસાર માત્ર ઇન્ડિયન જહાજોને જ શીપ કટિંગ માટેની મંજૂરી આપવામાં આવી છે. વિદેશી જહાજો ખરીદવા કે લાવવા પર પ્રતિબંધ હોવાથી હાલ શિપ ખરીદી પર પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. તેમજ જ્યાં સુધી સરકાર દ્વારા જહાજ ખરીદ બાબતે નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ નવા શિપ અલંગ ખાતે આવવાની શક્યાતા પણ નથી.
આ ઉપરાંત મજૂરો પણ વતન પાછા ફરતા કામગીરી માટે મજૂરો મળવાની મુશ્કેલી પણ ઉભી થઇ છે. જો આગામી દિવસોમાં શીપ ઇન્ડસ્ટ્રીઝ માટે સરકાર તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો શિપ બ્રેકરો દ્વારા કરવામાં આવેલા રોકાણનાં નાણા ફસાઈ જવાની તેમજ આર્થિક મુશ્કેલી ઉભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.