ભાવનગર મહાનગરપાલિકા તંત્ર વિકાસના નામે હાલ રસ્તાઓ પહોળા કરવાનું કામ કરી રહી છે, જેના ભાગરૂપે ભાવનગરના ઘોઘા રોડ પર રસ્તો પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડચણરૂપ ધર્મસ્થાન હટાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે પૂજારીને નોટિસ ફટકારી હતી.
જો કે વારંવારની નોટિસ ફટકારવા છતાં પણ ધર્મસ્થાન ન હટાવાતા આખરે ભાવનગર મહાનગરપાલિકાને એસ્ટેટ વિભાગે જેસીબી સહિત પોલીસ કાફલાને લઇ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ધર્મસ્થાનને હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.
જો કે આ કામગીરી શરૂ કરવામાં આવે તે પૂર્વે જ સ્થાનિક કક્ષાએ રહેતા 50 થી 60 જેટલા સ્ત્રી-પુરુષોના ટોળાએ ધર્મસ્થાનની અંદર ઘૂસી જઈ ધૂન બોલાવવાની શરૂ કરી હતી અને મહાનગરપાલિકાની કામગીરી અડચણરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવના પગલે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું અને ઉપસ્થિત પોલીસ કાફલાએ હાજર સ્થાનિક લોકોના ટોળાને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.