ભાવનગર શહેરમાં આડેધડ થતા વાહન પાર્કિંગથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો શહેરના બધા જ વિસ્તારમાં પાર્કિંગને લઈને શહેરીજનો પરેશાન થઇ ગયા છે. પણ ખાસ કરીને મુખ્ય બજાર એમ.જી.રોડ, હેવમોર ચોક, શાકમાર્કેટ અને ગંગાજાળિયા તળાવ જેવા વિસ્તારમાં તો પાર્કિંગ સમસ્યા લોકો અને તંત્ર માટે માથાના દુખાવા રૂપ બની ગઈ છે. જેને પગલે મહાનગર પાલિકા દ્વારા ગંગાજળીયા તળાવમાં ખાલી પડેલી જગ્યા પર મુખ્યમંત્રી શહેરી વિકાસની પાંચ કરોડની ગ્રાન્ટમાંથી મલ્ટીલેવલ પાર્કિંગ ઉભું કરવામાં આવ્યું છે.
જેમાં અંદાજે ૮૨૦ ટુ વ્હીલર, અને ૧૬૦ કાર પાર્કિંગ થઇ શકે તેવું ત્રણ માળનું ભવ્ય પાર્કિંગની સુવિધા છે. પરંતુ જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ભાવનગરના લોકોએ પાર્કિંગ માટે અસુવિધા ભોગવવી પડશે. પાર્કિંગના કામની સમય મર્યાદા ૧૮ માસની હતી જે પૂર્ણ થઇ ગયા છતાં કામ ૧૦ ટકા બાકી છે. જેના લીધે હાલ શહેરની મુખ્ય બજાર અને શાકમાર્કેટમાં આવતા લોકો પોતાના વાહનો રોડ રસ્તા પર પાર્કિંગ કરે છે. જેના લીધે અન્ય લોકોને ભારે મુશ્કેલી ભોગવી પડે છે. તેમજ વાહન પાર્ક કરવાવાળા લોકોને પણ જગ્યા નહિ મળતા ટોઈંગ થવાનો ભય તેમજ રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડે છે.