- મઢડા ગામે આવેલા ભારતમાતા મંદિરના દ્વાર લોકો માટે ક્યારે ખુલશે?
- ગ્રામજનો હવે આ મંદિરને વિકસિત અને પર્યટન સ્થળ તરીકે જોવા માગે છે
- આ મંદિરને સરકાર પોતે હસ્તગત કરી વિકસિત કરે તેવી માગ ઉઠી
- રાષ્ટ્રીય પર્વોની ઉજવણી આ મંદિર ખાતે કરવા ગ્રામજનોની માગ
ભાવનગર:દુનિયાનો એક માત્ર દેશ ભારત કે, જેમને માતાનું બિરુદ આપી ભારતમાતા તરીકે સન્માનિત કરવામાં આવે છે. આ ભારત દેશમાં ભારતમાતાના માત્ર 2 મંદિરો આવેલા છે. જે પૈકીનું એક મંદિર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે આવેલું છે. ખાનગી માલિકીની જગ્યામાં 100 વર્ષ પૂર્વે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ, ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા 370 ની કલમ નાબુદ કરી કાશ્મીરમાં દેશનો ઝંડો ફરકાવ્યો હતો. ત્યારે વર્ષોથી ખાનગી માલિકીના કબજામાં કેદ ભારતમાતાના મંદિરને લોકો માટે ખુલ્લું મુકવા લોક માગ ઉઠી છે.
મઢડા ખાતે વર્ષોથી મંદિરમાં બંધ અખંડ ભારતમાતાની આઝાદી ક્યારે? ક્યાં આવેલું છે ભારતમાતાનું મંદિર?
ભાવનગરના સિહોરથી 15 કિમી દૂર આવેલું મઢડા ગામ કે, જ્યાં 100 વર્ષ કરતા વધુ જુનું કહી શકાય તેવું અખંડ ભારતમાતાનું મંદિર આવેલું છે. ભારતભરમાં અલભ્ય કહી શકાય તેવું આ મંદિર છે કારણ કે, આ મંદિરમાં આવેલા અખંડ ભારતમાતાની મૂર્તિ 6 ફૂટના એક જ પથ્થરમાંથી બનાવેલી છે. આવી મૂર્તિ માત્ર દેશભરમાં 2 જ જગ્યા એ આવેલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભારતના ભાગલા પડ્યા ન હતા તે સમયની ભારતમાતાની અખંડ મૂર્તિ મુકવામાં આવી હતી. જે આજે પણ લોકોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનું નિર્માણ સ્વતંત્રતાની ચળવળમાં સમયે જૈન શિવજી દેવશી શાહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવેલા અને તેમનાથી પ્રભાવિત થઈ આ ઐતિહાસિક મંદિરની સ્થાપના કરી હતી.
મઢડા ખાતે વર્ષોથી મંદિરમાં બંધ અખંડ ભારતમાતાની આઝાદી ક્યારે? શું છે મંદિરની લોકવાયકા?આ મંદિરના ખાત મુર્હતમાં ગાંધીજી પાલીતાણાના મોખડકા ગામેથી પગપાળા ચાલીને અહી આવ્યા હતા. અંગ્રેજો સાથેની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગાંધીજી રેલવે માર્ગે અહીં આવીને સામાજિક પુનરુત્થાન તેમજ સ્વાતંત્ર્યતાની ઝુંબેશ ચલાવતા હતા અને આશ્રમી પ્રવૃત્તિઓમાં સહયોગ આપતા હતા. અહીં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તે સમયે આવતા જતા અને આઝાદીની ચળવળને વધુ પ્રબળ બનાવી હતી. ગાંધીજીની અહીંની મુલાકાતો અને સામાજિક-આધ્યાત્મિક પ્રવૃતિઓ નિહાળીને ગામ લોકોને એવું લાગતું કે ગાંધીજી અહીં સાબરમતી જેવો એક આશ્રમ બનાવશે. આ મંદિર માટે ભાવનગર દ્વારા 10 વીઘા જમીન 99 વર્ષના લીઝ પટ્ટે શિવજીભાઈ શાહને આપવામાં આવી હતી. જેમાં ભારતમાતાના મંદિરના નિર્માણ બાદ સંચાલન લાલન સાહેબને આપ્યું હોવાનું જાણવા મળે છે પરંતુ વર્ષો વીતી ગયા અને સંચાલકો પણ અનેક બદલાયા પરંતુ સમયની સાથે મંદિરની સ્થિતિ પણ જર્જરિત બની જેનો જીર્ણોદ્ધાર આજદિન સુધી કોઈ સંચાલકે કર્યો નથી.હાલ મંદિરની શું છે સ્થિતિ?સ્થાનિકોના જણાવ્યા મુજબ 100 વર્ષ પૂર્વે મંદિરની જાહોજલાલી હતી. ગાંધીજી અને લોકમાન્ય તિલકની મૂર્તિઓ તેમજ ભારતમંદિરમાં ભારતમાતાની મૂર્તિ એક પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. જે દેશના અખંડ નકશા પર સ્થાપિત છે. ઉપરાંત એક સમયે મંદિરમાં ડાબી બાજુ ગાંધીજીની અને જમણી બાજુ લોકમાન્ય ટીળકની મૂર્તિ હતી. પરંતુ હાલ તે ત્યાં નજરે પડતી નથી. આજે આ મંદિરની હાલત ખંડેર જેવી જોવા મળી રહી છે, અહીં મંદિર ફરતી દીવાલો પડી ગઈ છે, જર્જરિત થઈ ગઈ છે, આજુબાજુ બાવળો અને અને નકામા ઝાડ ઊગી નીકળ્યા છે. બહારનો નજારો જોઈ નિસાસો નાખી જવાય તેવી સ્થિતિ આ ભારતમાતા મંદિરની છે. મંદિરથી માત્ર 100 મીટરના અંતરે અહીંનું રેલવે સ્ટેશન આવેલું છે. અહીં બહારગામના લોકો પોતાની માનતા કે, દર્શન માટે ભારતમાતાના મંદિરે ટ્રેઈન,બસ કે, ખાનગી વાહનોમાં આવે તો છે પરંતુ આ મંદિર ખાનગી માલિકીના આ મંદિરમાં મંજૂરી વગર પ્રવેશ ન કરવો તેવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. જેથી અનેક દર્શનાર્થીઓને માત્ર બહારથી દર્શન કરી પરત ફરવું પડે છે. શું છે મંદિરને લઈને સ્થાનિકોની માગ?
ભારતમાતાએ દેશના તમામ નાગરિકોની માતા છે અને તેના દર્શનનો લ્હાવો સૌને મળવો જોઇએ ત્યારે આ મંદિરમાં લગાવેલું તાળું હવે લોકો માટે કાયમી રીતે ખુલી જાય તેવું અહીના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. જો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી 70 વર્ષ જુનો કાશ્મીરનો કલમ 370 નો પ્રશ્ન ઉકેલી શકતા હોય તો આ મઢડા ખાતેના ભારતમાતાના મંદિરનું લોકહિતાર્થ નિર્ણય કરવોએ તેમના માટે સામાન્ય બાબત કહી શકાય. ભારતમાતા દર્શનએ રાષ્ટ્રપ્રેમ અને આસ્થા સાથે જોડાયેલી બાબત છે. જેથી આ મંદિરના દરવાજા કાયમી ખુલ્લા રહે અને મંદિરમાં નિત્ય પૂજા પાઠ થાય તેમ જ રાષ્ટ્રીય તહેવારો જેમાં પ્રજાસત્તાક પર્વ હોય કે, સ્વતંત્ર દિનની ઉજવણી પણ અહીં થાય અને ગ્રામજનો આન, બાન અને શાનથી તિરંગો અહીં લહેરાવી શકે તેમજ આ મંદિરને હવે લીઝમાંથી મુક્ત કરી પોતાના હસ્તક લઈ તેને વિકસિત કરે અને ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરે તેવી સરપંચ સહિતના ગ્રામજનો માગ કરી રહ્યા છે.
શું કહી રહ્યા છે ધારાસભ્ય?
આ બાબતે પાલીતાણાના ધારાસભ્ય દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રભાવના સાથે જોડાયેલી હોય આ મંદિરને સરકાર હસ્તક લઈ તેનો વિકાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
મંદિરના ખાનગીમાલિક શું કહી રહ્યા છે?
આ બાબતે મંદિરની માલિકી જેમની છે તે પરિવારને પૂછતાં તેમણે કહ્યું કે, આ મંદિર અમારી માલિકીના કબ્જા હેઠળ છે. પરંતુ લોકો તેના દર્શન કરી શકે તેવી રીતે જાળીની ગોઠવણ કરી છે. આ મંદિરને વિકસિત કરવા અંગે જ્યારે પરિવાર ભેગો થશે, ત્યારે આપસી વાતચીત કરી કોઈ નિર્ણય લઈશું.
મંદિરને ક્યારે મળશે આઝાદી?
જો આ મંદિરનો વિકાસ કરવામાં આવે અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો લોકો અહી ભારતમાતાના દર્શન કરવા આવી શકે અને તો જ ખરા અર્થમાં દેશના આઝાદી દિવસની ઉજવણી સાર્થક બની કહેવાય.