ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું રૂપિયા 700ના ભાવથી વેચાણ થતા ખેડૂતો આનંદિત જોવા મળ્યા હતા. બુધવારે ડુંગળીના સાડા ચાર હજાર થેલાઓની આવક નોંધાઈ હતી. જેમાં સારા માલના ભાવ 698 સુધી નોંધાયા હતા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં 642થી 700 રૂપિયા સુધી ડુંગળીની ખરીદી કરાઇ - onion sales at mahuva market yard
મહુવા માર્કેટિંગ યાર્ડમાં બુુધવારે ડુંગળીના ભાવ 642થી 700 રૂપિયા નોંધાયા હતા. જે સિઝનના સૌથી ઉંચા ભાવ હતા. ડુંગળીના પોષણક્ષમ ભાવો મળવાને લીધે ખેડૂતો પણ સંતોષ અનુભવી રહ્યા હતા.
જો કે, આ ભાવો વધવાનું કારણ દેશના અન્ય રાજ્યોમાં અતિવૃષ્ટિના કારણે પાકને નુક્સાન થયું છે. હાલમાં જે માલ યાર્ડમાં વેચવામાં આવી રહ્યો છે તે ખેડૂતો દ્વારા સંગ્રહ કરાયેલો હોય છે. જેમાં ખેડૂતોએ વજનની ઘટ પણ સહન કરવી પડે છે. આથી હજી પણ એકાદ મહિના સુધી આ ભાવો વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
જ્યારે બીજી તરફ જ્યાં ખેડૂતોને બે પૈસા કમાવાની તક છે ત્યારે સરકાર દ્વારા નિકાસ બંધ કરવામાં આવી છે. જે ખેડૂતો માટે નુકસાનકારક છે તેવું યાર્ડના ચૅરમૅને જણાવ્યું હતું. ખેડૂતો અને વેપારીઓ દ્વારા અંદાજે મહુવા તાલુકામાં 2 લાખ જેટલી થેલીઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી ખેડૂતોના હિતમાં નિકાસબંધી ઉઠાવી લેવાની માગ કરી છે.